• રવિવાર, 22 નવેમ્બર, 2026

વન ડિસ્ટ્રીકટ વન પ્ર્રોજેકટની પહેલે કચ્છની વણાટ કળાને અપાવી વૈશ્વિક ઓળખ

ભુજ, તા. 20 : કચ્છની ધરતી તેની આગવી સંસ્કૃતિ, પરંપરા, કળા અને હસ્તકલાના વારસા માટે વિશ્વભરમાં જાણીતી છે. આ વારસાને જીવંત રાખવામાં કચ્છના વણકર સમાજનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભુજોડી ગામના વણકરોએ પેઢી દર પેઢી હાથવણાટની પરંપરાને જાળવી રાખી છે આ જ પરંપરાને આગળ ધપાવતા  અરજણભાઈ વિશ્રામભાઈ વણકર આજે હાથવણાટ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે.  અરજણભાઈ  જણાવે છે કે, પાંચ દાયકા પહેલાં તેમના પરિવારના વડીલો કચ્છમાં ધાબળા અને શાલ બનાવવાનું પરંપરાગત કામ કરતા હતા. ખાસ કરીને રબારી, આહીર, ભરવાડ અને ક્ષત્રિય સમાજના લોકો માટે તેમની જરૂરિયાત અને પરંપરા અનુસાર વિવિધ વસ્ત્રો તૈયાર કરવામાં આવતા હતા. આ પરંપરાગત કળાને નવી ઓળખ અપાવવામાં તેમના પિતા વણકર વિશ્રામભાઈનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. વર્ષ 1974માં વણાટકામ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પિતાએ ચીંધેલા માર્ગે આગળ વધીને અરજણભાઈએ પણ હાથવણાટ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વર્ષ 2009માં તેમને વણાટકામ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશિષ્ટ શાલમાં કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કચ્છની પરંપરાગત શાલને જી.આઈ. ટેગ મળવાથી તેની આગવી ઓળખને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું છે. સરકારની પ્રોત્સાહક યોજનાઓના પરિણામે ભુજોડીના વણકરોને માત્ર સ્થાનિક બજાર પૂરતા મર્યાદિત રહેવાને બદલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પોતાની કળા રજૂ કરવાની તક મળી છે. સમયની સાથે કચ્છની હાથવણાટકળામાં પણ નવીનતા આવી રહી છે. વર્ષોથી ધાબળા અને શાલ બનાવવાની પરંપરા ધરાવતા કચ્છના વણકરોએ હવે સાડી, દુપટ્ટા અને સ્ટોલ જેવા આધુનિક વસ્ત્રો બનાવવાની દિશામાં પણ સફળતાપૂર્વક આગળ વધ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કારીગરો માટે અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓના કારણે વણકરોને રોજગારી, બજાર અને પોતાની કળા પ્રદર્શિત કરવાની ઉત્તમ તકો મળી રહી છે. કચ્છના વણકરો હવે `કાલા કોટન' તરીકે ઓળખાતા ઓર્ગેનિક કપાસના ઉપયોગ કરીને સાડી, દુપટ્ટા અને સ્ટોલ જેવી વિવિધ બનાવટો તૈયાર કરી રહ્યા છે. આ રીતે પરંપરાગત વણાટકળામાં નવી ડિઝાઇન અને નવા ઉત્પાદનોનો સમન્વય કરીને કારીગરો બદલાતા સમય અને બજારની માંગને અનુરૂપ આગળ વધી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd