ગાંધીધામ, તા. 21 : ગાંધીધામ-કંડલાના કાર્ગો ઝૂંપડપટ્ટી
વિસ્તારમાં વસતા ગરીબ અને શ્રમિક પરિવારો લાંબા સમયથી પીવાનાં ગટર મિશ્રિત પાણીની ગંભીર
સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં અઠવાડિયામાં માત્ર એક જ વખત પાણી વિતરણ
થાય છે અને તે પણ ગટર મિશ્રિત તથા ગંદું આવતું હોવાથી રોગચાળો ફેલાવવાની ભીતિ ઊભી થઈ
છે. કચ્છ જનરલ મજદૂર સંઘે આક્ષેપ કર્યો છે
કે, એક તરફ ઉદ્યોગો અને સુવિધાયુક્ત સોસાયટીઓને
નિયમિત પાણી મળે છે, જ્યારે ગરીબ શ્રમિકોને ખાનગી ફિલ્ટર પ્લાન્ટમાંથી
પાણી ખરીદવું પડે છે અથવા ગંદું પાણી વાપરવાની ફરજ પડે છે, જેના
કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનાં આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું
થયું છે. કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તાત્કાલિક નિયમિત અને પૂરતા પ્રમાણમાં શુદ્ધ
પીવાનું પાણી આપવું, ગટર મિશ્રિત પાણીની ફરિયાદની તપાસ કરી પાણીના
નમૂનાઓનું સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવા, પાણીની અને ગટરની
લાઈનોની તપાસ કરી જરૂરી સમારકામ હાથ ધરવું અને જ્યાં સુધી નિયમિત પાણી પુરવઠો શરૂ ન થાય,
ત્યાં સુધી ટેન્કર મારફતે શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ
કરવામાં આવી છે.