• સોમવાર, 23 નવેમ્બર, 2026

રાહુલની સદી, ગિલના 98 : કિવી સામે પકડ મજબૂત

વેલિંગ્ટન, તા. 21 : ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટનો ત્રીજો દિવસ પૂરો થવા સુધીમાં ભારતીય ટીમે રાહુલના શાનદાર 136 રનની મદદથી પહેલી ઇનિંગમાં ચાર વિકેટે 486 રન બનાવી લીધા છે. ન્યુઝિલેન્ડના પહેલી ઇનિંગના 368 રનના મુકાબલે 118 રનની મહત્વની સરસાઇ મેળવી લીધી છે. શનિવારે ભારતે એક વિકેટે 159 રનથી રમત આગળ વધારી હતી અને પૂરો દિવસ શાનદાર બેટિંગ કરતા 327 રન જોડયા હતા. કેપ્ટન શુભમન ગિલ 98 રને આઉટ થયો હતો અને 12મી સદી માત્ર બે રને ચૂક્યો હતો. ગિલને જેકબ ડફીએ બોલ્ડ કર્યો હતો. ગિલ અને ઋષભ પંત વચ્ચે ચોથી વિકેટ માટે 100 રનની ભાગીદારી થઈ હતી જ્યારે પંતે 55 બોલમાં 22મી અર્ધસદી ફટકારી હતી. આ પહેલા કેએલ રાહુલે 290 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 136 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે દેવદત્ત પડિક્કલ 175 બોલમા 80 રન કરીને આઉટ થયો હતો. રાહુલ અને પડિક્કલ વચ્ચે 165 રનની મોટી ભાગીદારી થઈ હતી. જે ભારત માટે ખૂબ જ ઉપયોગી બની હતી. ભારતીય ટીમની પહેલી ઇનિંગમાં શરૂઆત શાનદાર રહી હતી. યશસ્વી જયસ્વાલ અને કે એલ રાહુલે 130 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. યશસ્વીએ 89 બોલમાં 85 રન કર્યા હતા. જેમાં 16 ચોગ્ગા સામેલ છે. યશસ્વી આઉટ થયા બાદ રાહુલ અને પડિક્કલે ભોરચો સંભાળ્યો હતો અને ભારતીય ટીમને વધુ નુકસાન થવા દીધું નહોતું. રાહુલે 99 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd