ગાંધીધામ, તા. 21 : અંજાર તાલુકાના વરસામેડી ગામની
સીમમાં પડતર જમીન ઉપર પોલીસે અંગ્રેજી પ્રકારના
શરાબનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. જો કે, આ કાર્યવાહી દરમ્યાન કુખ્યાત બુટલેગર સહિતના
શખ્સો કાયદાના સકંજામાં આવ્યા ન હતા. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આરોપીઓ કાના વેલા બઢિયા, વિનોદ ઉર્ફે વિશાલ મોહન કટુઆ અને
મૃતુ પટેલ સહિતના શખ્સોએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મગાવીને પડતર જમીનમાં
ઉતાર્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. પૂર્વ
કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડી બાતમીના સ્થળે પહોંચી ત્યારે
પડતર જમીનમાં બાવળની ઝાડીઓમાં શરાબનું કટિંગ થતું હતું. પોલીસની ગાડીને જોઈ બોલેરોમાં બોક્સ ભરતા કુખ્યાત બુટલેગર
સહિતના ત્રણથી ચાર શખ્સ અંધારાનો લાભ લઈને નાસી ગયા હતા. બોલેરો કાર અને જમીન ઉપર પડેલા
બોક્સમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. સ્થળ ઉપરથી
1812 બોટલ કબજે કરાઈ હતી. ઝડપાયેલા
શરાબના જથ્થાની કિંમત રૂા. 10.23 લાખ આંકવામાં
આવી છે. આ કાર્યવાહી દરમયાન એમએચ-15-જેસી-9765 નંબરની બોલેરો પિકઅપ જીપકાર
અને જીજે-39-ડી-6760 નંબરનું જ્યુપીટર સ્કૂટર કબજે
કરાયું છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કુખ્યાત
બુટલેગર કાના વેલા બઢિયા સામે અંજાર, ભચાઉ એ-ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશનના
16 ગુના નોંધાયેલા છે.