`સ્પે શિયલ ઈન્ટેન્સિવ રિવિઝન'ની પ્રક્રિયાનો મુદ્દો કોંગ્રેસ અને સાથી પક્ષોએ બરાબર પકડયો છે. કોક્રોચ જનતા પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યા પછી થોડા સમયથી મૌન સેવી લીધું છે પરંતુ ઈન્ડિયા સંગઠને વાત ઝાલી રાખી છે. મોટી કૂચ સર્વોચ્ચ અદાલત સુધી લઈને ગયેલા રાહુલ ગાંધીએ હવે ફરી એકવાર એક મહત્ત્વની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. 48 સવાલ પૂછીને ફરી એકવાર ચૂંટણીપંચને લોકસભા વિપક્ષી નેતાએ ઘેર્યું છે. અગાઉ અનેક અરજી થઈ ચૂકી છે, ત્યારે હવે ચૂંટણીપંચની કાર્યપ્રણાલી સામે રાહુલ ગાંધીએ 48 સવાલોના શપથપત્ર સાથે કરેલી અરજીમાં સર્વોચ્ચ અદાલત સામે વિશેષ માગણી કરી છે. સુપ્રીમ કોર્ટ આ સંવેદનશીલ મામલો કઇ રીતે હાથ ધરે છે એ જોવું જરૂરી છે. રાહુલ અને સાથીપક્ષોએ અણિયાળો સવાલ ઉઠાવ્યો છે કે, `એસઆઈઆર', ચૂંટણીપંચની આખી આ પ્રક્રિયાનો નિર્ણય સામૂહિક હતો કે, મુખ્ય ચૂંટણી કમિશનરે એકલાએ લીધો હતો? વિવેક જોશી અને એસ. એસ. સંધુએ આ પ્રક્રિયા સામે લેખિત વાંધા અને અસંમતિ નોંધાવી હતી તે રીતે અન્ય કોઈ કમિશનરે સવાલ કર્યો હતો કે નહીં? ઉલ્લેખનીય છે કે, પંચ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે, આ સમગ્ર પ્રક્રિયા સર્વાનુમતે થયેલા નિર્ણયથી થઈ હતી. ઓનલાઈન ફોર્મ નં. 6માં જે નવું ઘોષણાપત્ર જોડવામાં આવ્યું છે તે ઉમેરવાની સત્તા કોણે આપી? તે ક્યારે મંજૂર કરાયું? મતદારયાદી નિયંત્રણ માટેની પ્રણાલીના કેન્દ્રીયકરણ પાછળ કોનો આદેશ હતો અને ખાસ તો અંતિમ મતદારયાદીઓમાંથી ગરીબ, અ.જા., અલ્પસંખ્યક અને સ્થળાંતરિત મતદારોનાં નામ મોટી સંખ્યામાં ક્યા ધોરણે કમી કરાયાં? જો કે, એસઆઈઆરવાળો મુદ્દો હજી સાવ શાંત પડયો નથી અને આગામી વર્ષે ગુજરાત, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે પડવાનો પણ નથી, પરંતુ થોડા સમયથી જે મોરચો થોડો ઢીલો હતો ત્યાં આ સવાલ-અરજીને લીધે પુન: ગરમી આવી ગઈ છે. રાહુલ ગાંધીએ ઉઠાવેલા આ 48 પ્રશ્ન માત્ર રાજકીય નથી. બંધારણીય સંસ્થાની આંતરિક પારદર્શકતા તથા વિશ્વસનીયતા અને સામૂહિક નિર્ણય લેવાની પદ્ધતિ સાથે સંકળાયેલા છે. ચીફ ઈલેક્શન કમિશનર અને અન્ય કમિશનરો વચ્ચેના મતભેદની વાત બહાર આવ્યા પછી તેની સ્પષ્ટતાઓ તો થઈ ગઈ, પરંતુ આ છાપ જે પડી છે તે ગંભીર અને ચિંતાજનક છે. મતદારયાદી- સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન હવે ફક્ત રાજકીય પક્ષનો મુદ્દો નથી. દેશમાં વિવિધ સ્થળે, વિવિધ સ્તરે ક્યાંક-ક્યાંક, કોઈ જાહેર કાર્યક્રમોમાં નિવૃત્ત ન્યાયાધીશો પણ આ મુદ્દે બોલી ગયા છે. મતદારનાં નામ કમી થવા જેવી બાબતો સામાન્ય નાગરિકના મતાધિકારના મૂળ ઉપર પ્રહાર કરે છે. આ આખા વિવાદના અંતનો એકમાત્ર ઉપાય એ છે કે, ચૂંટણીપંચ અત્યંત સંતોષકારક રીતે, આ 48 અને અગાઉ ઊઠેલા તમામ સવાલોના જવાબ આપે. પોતાની વિશ્વસનીયતા પુરવાર કરે. વિપક્ષને ભલે ચૂંટણીપંચ વશ ન થાય, પરંતુ જેના માટે કામ કરે છે તે ગણતંત્રના મતદારો અને નાગરિકોમાં પંચ પ્રત્યેનો વિશ્વાસ પુન: નિર્મિત થાય અથવા તો ટકે તે જરૂરી છે. ચૂંટણી પ્રક્રિયા માટે જ જો શંકા હશે તો હવે પછી ચૂંટાયેલી સરકાર માટે શ્રદ્ધા કેવી રીતે રહેશે?