• રવિવાર, 22 નવેમ્બર, 2026

ડોનાલ્ડ ટર્ન : ભારતને ડેડ અર્થતંત્ર કહેનાર ટ્રમ્પે હવે ફેડરલ બેંકને કહ્યું, ભારત પાસે શીખો

વોશિંગ્ટન, તા. 21 : ભારતને `મૃત અર્થવ્યવસ્થા' લેખાવી ચૂકેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં ઓછા વ્યાજદરના વખાણ કરવા સાથે સાત ટકા વિકાસદર (જીડીપી)નું ઉદાહરણ આપતાં અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ પર નિશાન સાધ્યું હતું. અમેરિકી પ્રમુખની પ્રશંસાના પડઘારૂપે ભારતીય રાજકારણમાં પણ નિવેદનબાજી થઇ હતી. ટ્રમ્પના આ નિવેદનનું ભારતે સ્વાગત કર્યું હતું. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, ભારતમાં વ્યાજદરો ઓછા છે એટલે જ સાત ટકા વિકાસદર છે. અમેરિકી ફેડ રિઝર્વ પણ વ્યાજદર ઘટાડે તો અમેરિકામાં 15 ટકા વિકાસ શક્ય છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કરેલી પ્રશંસા બાદ ભારતમાં સત્તારૂઢ ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. ભાજપે કહ્યું હતું કે, આખી દુનિયા ભારતની પ્રગતિને માને, વખાણે છે ત્યારે વિપક્ષ દેશની ઉપલબ્ધિઓને જોવી ન હોય તેમ આંખો બંધ કરીને બેઠો છે. એશિયા પ્રવાસથી પરત ફર્યા બાદ યોજાયેલા કાર્યક્રમમાં ટ્રમ્પે યુએસ સેન્ટ્રલ બેંક (ફેડરલ રિઝર્વ) પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, જો અમેરિકા પણ ભારત જેવી નીતિ અપનાવે, તો તેનો જીડીપી ગ્રોથ 20 ટકા સુધી પહોંચી શકે છે. ટ્રમ્પે યુએસ ફેડરલ રિઝર્વની નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતો કે, દેશમાં વ્યાજદરો બિનજરૂરી રીતે ખૂબ ઊંચા રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, `અમેરિકામાં વ્યાજદરો વધારે છે કારણ કે, આપણું ફેડરલ રિઝર્વ અત્યંત રાજકીય રીતે કામ કરી રહ્યું છે. જ્યારે આર્થિક આંકડાઓ સારા થઈ રહ્યા હોય ત્યારે સેન્ટ્રલ બેંકે દરો વધારવાને બદલે ઘટાડવા જોઈએ.' ભારતીય અર્થવ્યવસ્થાની પ્રશંસા કરતાં ટ્રમ્પે કહ્યું કે, `જો તમે ભારત તરફ નજર કરો તો ત્યાં વ્યાજદરો ઓછા છે અને તેમનો જીડીપી ગ્રોથ સાત ટકા છે. જો અમેરિકા યોગ્ય અપ્રોચ અપનાવે તો આપણો જીડીપી ચાર ટકા નહીં, પણ 14, 15 કે 20 ટકા સુધી પહોંચી શકે છે અને અમેરિકા દેશનું દેવું ખૂબ ઝડપથી ચૂકવી શકશે.' પોતાનાં સંબોધન દરમિયાન ટ્રમ્પે પૂર્વ ફેડરલ રિઝર્વ ચેરમેન એલોન ગ્રીનસ્પેનની નીતિઓને યાદ કરી હતી. તેમણે કહ્યું કે, ગ્રીનસ્પેન એક શ્રેષ્ઠ વડા હતા, જે આંકડા સારા આવતાં જ વ્યાજદરો ઘટાડીને ઈકોનોમીને વેગ આપતા હતા. જ્યારે વર્તમાન મેનેજમેન્ટ તેનાથી બિલકુલ ઊંધું કામ કરી રહ્યું છે, જેના કારણે વિકાસદર અટકી રહ્યો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd