દયાપર (તા. લખપત), તા. 21 : પ્રસિદ્ધ
પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર ખાતે વર્ષો જૂની પરંપરા અનુસાર ત્રિવિક્રમરાયજી મંદિર
સંકુલમાં તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમથી યોજાયો હતો. ધ્યાયેચ્ચ તુલસીં દેવીં શ્યામાં
કમલલોચનામ્। પ્રસન્નાં પદ્મકલ્હારવરાભય ચતુર્ભુજામ્।। તુલસી માતાજીના મંત્રોચ્ચારથી
પ્રારંભ ભગવાન શાલિગ્રામજીની શોભાયાત્રા (વરઘોડો) મુખ્ય બજારથી મંદિર સંકુલના પ્રવેશદ્વાર
પર વાજતે-ગાજતે પહોંચ્યા બાદ વરરાજાને પોંખવામાં આવ્યા હતા. મંદિર સંકુલમાં બનાવેલ
લગ્નમંડપમાં અજિતભાઇ જોષી, પ્રદીપભાઇ
ત્રિવેદી, કનૈયા મહારાજ અને રોહન ત્રિવેદી વિગેરે ભૂદેવોએ મંત્રોચ્ચારથી
ગણપતિ પૂજન, કળશ પૂજજન, નવગ્રહ દેવતા ષોડશ
માતૃકા પૂજન સહિત સ્થાપિત દેવતાઓનું આહ્વાન કરાવી શાત્રોકત વિધિ સંપન્ન કરી હતી. મહિલાઓએ
મંગલ ગીતો ગાયાં હતાં. નારાયણ સરોવર જાગીર અધ્યક્ષા બ્રહ્મચારી સોનલલાલજી મહારાજના
અધ્યક્ષસ્થાને આયોજિત મહોત્સવમાં મુખ્ય યજમાન હઠુભા સ્વરૂપાજી સોઢા અને સહયજમાન હિરેનભાઇ
મુકુંદભાઇ કેવડિયા રહ્યા હતા. મુખિયા મુકેશ જોષી, પૂજારી દિનેશભાઇ
જે. જોષી, મનીષ જોષી, આશિષ જોષી, સંજય જોષી, ચંદ્રકાંત જોશી, મશાલચી તરીકે હરેશ વાળંદ, તીર્થ ગોર, અજિત જોશી ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ,
ભુજ વિગેરે સ્થળોથી ખાસ તુલસી વિવાહના દર્શન કરવા દર વર્ષે ખાનગી બસોથી
આવતાં ભાવિકો તેમજ યાત્રિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તુલસી માતા-શાલિગ્રામ
ભગવાનના મંગલાષ્ટક, અગ્નિની
સાક્ષીએ લગ્ન સંપન્ન થયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિવિક્રમરાયજી ભગવાન મંદિરે નારાયણ સરોવર
ખાતે તુલસી વિવાહની વર્ષો જૂની પરંપરા છે અને દર વર્ષે કારતક સુદ અગિયારસની રાત્રે
વિવાહ વિધિ સંપન્ન થાય છે, ત્યારે નારાયણ સરોવર ખાતે દર્શન માટે
આવેલા યાત્રિકો પણ મોટી સંખ્યામાં જોડાતાં હોય છે.