• રવિવાર, 22 નવેમ્બર, 2026

ધોરડોમાં અચાનક આરોગ્ય તંત્ર ત્રાટક્યું : 42 સ્થળે ચેકિંગ

ભુજ, તા. 21 : જાહેર આરોગ્યનું જતન, નાગરિકોની સલામતી અને કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓને સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવાના હેતુથી જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતનાં માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં નેતૃત્વમાં જિલ્લા આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા ભુજ-ધોરડો રોડ પર આવેલા વિવિધ રિસોર્ટ, હોટેલ, રેસ્ટોરન્ટ, હોમસ્ટે અને ખાણીપીણીનાં સ્થળોએ ચાકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અભિયાન અંતર્ગત  42 જેટલા રિસોર્ટ, હોટેલ અને હોમસ્ટેની મુલાકાત લઈને અધિકારીઓ દ્વારા સ્થળ પર આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત બાબતોની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. ચાકિંગ અભિયાન દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિવિધ રિસોર્ટ, હોટેલ અને અન્ય એકમોમાં પીવાનાં પાણીની ગુણવત્તા, પાણીના સંગ્રહની વ્યવસ્થા, પાણીની ટાંકીઓની સ્વચ્છતા, પાણીના પુરવઠાના સ્ત્રોત, ટાંકીઓની નિયમિત સફાઈ તથા પીવાનાં પાણીની સુરક્ષિત જાળવણી અંગે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને હોટેલનાં રસોડાંની સ્વચ્છતા, ખાદ્યપદાર્થો તૈયાર કરવાની પ્રક્રિયા, રસોઈમાં ઉપયોગમાં લેવાતાં વાસણો અને સાધનોની સ્વચ્છતા, કાચા તથા તૈયાર ખોરાકના સંગ્રહની પદ્ધતિ, ખાદ્ય સામગ્રીની જાળવણી, રસોડાંમાં હવા-ઉજાસની વ્યવસ્થા, કચરાના નિકાલની વ્યવસ્થા તેમજ સમગ્ર પરિસરની સાફસફાઈની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પીવાનાં પાણીની વ્યવસ્થા, ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત બાબતોનું સ્થળ પર નિરીક્ષણ કરી સંચાલકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.  ખોરાક અને પીવાનાં પાણીની સ્વચ્છતા અંગે જાગૃત રહે, સ્વચ્છ અને આરોગ્યપ્રદ સ્થળોએ જ ભોજન લે તેમજ ક્યાંય અસ્વચ્છતા કે આરોગ્યને જોખમરૂપ સ્થિતિ જોવા મળે તો કચ્છના આરોગ્ય તંત્રને જાણ કરવા અપીલ કરાઇ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd