• રવિવાર, 22 નવેમ્બર, 2026

લોકતંત્રની બદનામી કર્યા પછી : રાહુલ ગાંધીને ચૂંટણી જીતવાની આશા

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : `વિદેશમાં જઈને ભારતને બદનામ કરવાથી તમને સત્તા નહીં મળે. વિદેશયાત્રાઓ બંધ કરો અને ભારતના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ. જનતાની સમસ્યાઓ જાણવી - સમજવી જોઈએ અને તે પછી તમે આશા રાખી શકો. ચૂંટણી જીતવાનો આધાર રાજકીય પક્ષોની તથા તેના નેતાઓની કામગીરી પર હોય છે. વર્ષ 2004થી 2014 દરમિયાન કોંગ્રેસના હાથમાં સત્તા હતી, પણ 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો અને જનતાએ આખરે જાકારો આપ્યો અને નરેન્દ્ર મોદીને સત્તા સોંપી છે.' કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે રાહુલ ગાંધી ભારત સરકાર અને ભારતીય લોકતંત્ર વિરોધી પ્રચાર કરી રહ્યા છે, જેહાદ શરૂ કરી છે તેનો જવાબ ઉપરોકત શબ્દોમાં આપ્યો છે. છેલ્લાં બાર વર્ષ દરમિયાન કોંગ્રેસે લગભગ તમામ ચૂંટણીઓમાં પરાજય મેળવ્યો છે તેથી હતાશામાં બેબાકળા થઈને મોદી સરકાર અને ભારતીય લોકતંત્રની બદનામી કરી રહ્યા છે. વાસ્તવમાં ભારતીય સંસદનો માર્ગ અને દ્વાર ખુલ્લાં છે, તેઓ લોકસભામાં વિપક્ષી નેતા છે તેથી સરકાર સામે અવિશ્વાસનો ઠરાવ લાવી શકે છે અને ગંભીર આક્ષેપો - ટીકાપ્રહાર કરી શકે છે. ભૂતકાળમાં ભરીસભામાં અચાનક જઈને વડાપ્રધાનને ગળે વળગ્યા હતા. આંખ મિચકારીને લોકસભામાં તમાશો બતાવ્યો હતો. હવે સત્તા મેળવવા માટે ઉતાવળા અને બેબાકળા થઈ રહ્યા છે, પણ સંસદમાં હાજર રહેવાને બદલે, ચર્ચામાં ભાગ લેવાને બદલે ધાંધલ મચાવીને વોકઆઉટ કરી જાય છે ! સંસદની બહાર ચર્ચા કરવા આવો - એક જ ટેબલ ઉપર સામસામા બેસીને જાહેર ચર્ચા કરીએ એવી ચેલેન્જ - પડકાર મોદીને આપી રહ્યા છે અને ફરીથી વિદેશયાત્રા - અમેરિકા જઈને ભારતની બદનામી કરી રહ્યા છે, કારણ કે સંસદ બહાર કોઈ નીતિ - નિયમ કે નિયંત્રણ હોય નહીં. ચૂંટણીપ્રચાર સભાની જેમ ફાવે તેમ બોલો. આક્ષેપબાજી અથવા ગાળબાજી પણ કરાય ! સંસદમાં તો કાનૂની મુદ્દા ઉઠાવીને બેફામ ભાષણ અટકાવી શકાય. સ્પીકર સાહેબનો આદેશ માનવો પડે અને ચર્ચા થાય તે પછી વોટ લેવાય. સરકાર પાસે બહુમતી હોવાથી અવિશ્વાસનો ઠરાવ પસાર થાય નહીં. આ વાસ્તવિકતા છે તેથી સંસદમાં ચર્ચા કરવા માગતા નથી, છતાં એમણે કરેલા આક્ષેપોનો જવાબ આપવા વડાપ્રધાન મોદી તક ઝડપી લેશે. રાહુલ ગાંધીએ રાજધાનીમાં યુવાવર્ગનાં પ્રદર્શન વખતે તક ઝડપી લીધી. અરવિંદ કેજરીવાલ પડદા પાછળથી અભિજિત અને અન્ય યુવા નેતાઓનો દોરીસંચાર કરતા હતા, પણ રાહુલ ગાંધી બાજી મારી ગયા ત્યારથી વિપક્ષમાં એકમાત્ર નેતા રાહુલ ગાંધી હોવાની છાપ પડી અને સ્વીકૃતિ મળી. રાહુલ અને પ્રિયંકા વડરા ગાંધી હવે વિપક્ષી ફોજના નેતા છે - મોદીના વિકલ્પ હોવાની છાપ પાડી રહ્યા છે, પણ નેતાગીરીની સફળતા સાબિત કરવા માટે ભારતમાં જીત બતાવવી જોઈએ. વિદેશમાં ભાષણ - ભારત વિરોધી આક્ષેપો ત્યાંના અને ભારતમાં બેઠેલા ભાજપ - ભારત વિરોધીઓ સમક્ષ ભાષણો કરવાથી નહીં મળે ! રાહુલ ગાંધીએ અત્યાર સુધી ભારતનાં ચૂંટણીપંચ અને ચૂંટણી પ્રક્રિયા વિરુદ્ધ પ્રચાર ર્ક્યો છે. રાજકીય પ્રચાર અને આક્ષેપો પછી હવે આર્થિક મોરચો ખોલીને અંબાણી - અદાણીના હાથમાં અર્થતંત્ર હોવાના આક્ષેપ કરી રહ્યા છે. (મોદીએ રાહુલને જવાબ આપ્યો છે કે મોટા ઉદ્યોગપતિઓની બદનામી અને રોજેરોજ ગાલી - ગલોચ કરીને વિકાસ - ભારતનું ભલું થાય નહીં.) રાહુલ ગાંધીનો મોદીદ્વેષ જગજાહેર છે. હવે એમણે રાજકીય મોરચે નિષ્ફળ ગયા પછી ભારત સામે આર્થિક મોરચો ખોલ્યો છે ! અંબાણી - અદાણીની `બદનામી' કરવા સાથે ભારતનું અર્થતંત્ર બરબાદ, પાયમાલ થયું હોવાનો પ્રચાર કરે છે ! ભારતમાં વિદેશી મૂડીરોકાણ થાય નહીં - એવા એમના પ્રયાસ છે. હકીકતમાં એમના પરિવાર, પૂર્વજોએ મિશ્ર અર્થતંત્ર અને ડાબેરી, સમાજવાદનાં નામે અર્થતંત્રનો દાટ વાળ્યો હતો. હવે ભારતના વિકાસ, લોકકલ્યાણ માટે અર્થતંત્ર સક્રિય છે, વિશ્વબેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ભારતના વિકાસદર અને ગતિને સ્વીકારે છે, વધાવે છે ત્યારે ભારતના વિપક્ષી નેતા વિદેશની ધરતી ઉપર જઈને અર્થતંત્રની બરબાદીનો પ્રચાર કરે છે ! રાહુલ ગાંધી ચૂંટણીપંચના મુખ્ય કમિશનરને પદભ્રષ્ટ કરવાની માગણી કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવા માગે છે અને અગ્રણી ઉદ્યોગપતિ બે પરિવાર - અંબાણી અને અદાણી - ભારતનાં અર્થતંત્ર ઉપર અંકુશ ધરાવે છે એવા આક્ષેપ કરે છે. આ તમામ આક્ષેપો કરવા માટે ભારતીય સંસદનો માર્ગ ખુલ્લો છે. લોકસભામાં તેઓ વિપક્ષી નેતા છે. ચર્ચા માટે વડાપ્રધાનને પડકારી શકે છે, પણ લોકસભા કરતાં અમેરિકામાં વિદ્યાર્થી સભામાં ભાષણ કરવાનો શોખ છે ! એમને વિદેશમાં ભારત વિરોધી પ્રચાર કરવાનું વધુ ફાવે છે ! છેલ્લાં દસ - બાર વર્ષ દરમિયાન દરેક ચૂંટણીમાં એમણે કુપ્રચાર કરવામાં કચાશ રાખી નથી, પણ સફળ થયા નથી. મોદી અને અન્ય અધિકારીઓને હટાવવા માટે હવે અમેરિકામાં મંચનો ઉપયોગ થાય છે. રાજકીય લક્ષ્ય પાર પાડવા માટે રાહુલ ગાંધી હવે ભારત વિરોધી પ્રચારમાં ભાન ભૂલી ગયા છે અને દેશદ્રોહની ભૂમિકામાં આવી ગયા છે. સત્તા મેળવવા માટે ભારત વિરોધી પરિબળોનો સાથ લઈ રહ્યા છે. હવે રાહુલ ગાંધી કહે છે કે મોદી વડાપ્રધાન બન્યા વિદેશી સહાયથી. તમારી સંપૂર્ણ નાણાકીય સિસ્ટમ - વ્યવસ્થા વિદેશીઓના હાથમાં છે. વિદેશી સોશિયલ મીડિયા તમને પૂરો સ્પોર્ટ આપે છે ! - હકીકતમાં મોદીએ વિદેશ જઈને રાહુલ ગાંધી અથવા કોંગ્રેસ વિરોધી પ્રચાર ર્ક્યા નથી અને એમની આક્ષેપબાજીના જવાબ પણ ભારતમાં જ આપ્યા છે. રાહુલ ગાંધી સંવિધાનની નકલ હાથમાં લઈને ફરે છે અને લોકતંત્ર - (અર્થાત્ સરકાર?) એમનાં ખિસ્સાંમાં હોય એમ માની રહ્યા છે એમ નરેન્દ્ર મોદી કહે છે !) અને રાહુલ ગાંધીના સાથી પક્ષોના નેતાઓ પણ કહી રહ્યા છે કે લોકતંત્રનો ચુકાદો શેરીઓમાં મળશે. (સંસદમાં નહીં !) તાજેતરમાં એમણે હૈદરાબાદમાં ભારત પરિષદનું આયોજન ર્ક્યું, તેમાં વિદેશથી ડાબેરી વિચારધારાવાળા વકતાઓ - ભારતમાં રાજકીય અસ્થિરતા અને અરાજકતા સર્જવાનાં સપનાં બતાવવા આવ્યા હતા. અને જુઓ : લોકસભામાં વિપક્ષી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાષણ ર્ક્યું. ભારતમાં લોકતંત્ર 2014માં જ ખતમ થયું. વિપક્ષો હાંસિયામાં ધકેલાઈ ગયા. ભારતમાં લોકતંત્ર રહ્યું જ નથી. 2014 પછીનાં દસ વર્ષમાં રાજકીય વ્યવસ્થા સમૂળગી બદલાઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં ગેરરીતિઓ અજમાવાઈ છે. ભારતમાં લોકશાહી રહે તે વિશ્વની લોકતાંત્રિક વ્યવસ્થા માટે જરૂરી છે, પણ અમે પુરવાર ર્ક્યું છે કે ભારતમાં લોકશાહી રહી નથી ! 2014માં અઢળક નાણાં ચૂંટણીમાં વપરાયાં અને પ્રચારની પદ્ધતિ પણ બદલાઈ ગઈ! ચૂંટણી જ નવી થઈ. લાખો - કરોડો ડોલર ભારતમાં ઠલવાયા - આવું અમે કદી જોયું નહોતું. આવો રાજકીય તમાશો પણ અમે જોયો ન હતો અને એક - બે વર્ષ નહીં, આખો દાયકો અમે આઘાતમાં રહ્યા છીએ ! પરિણામ આવ્યા પછી તમામ રાજ્યોના આંકડા તપાસ્યા ત્યારે ચૂંટણી પ્રક્રિયા વિશે ગંભીર પ્રશ્નો અને શંકા જાગી. મહારાષ્ટ્રમાં ઇન્ડિ મોરચાને લોકસભાની વધુ બેઠકો મળી હતી અને ત્રણ મહિના પછી વિધાનસભાની ચૂંટણીમાં અમારો પરાજય થયો ! મતદારયાદીમાં સિત્તેર લાખ નવા મતદારો ઉમેરાઈ ગયા હતા. રાહુલ ગાંધી કહે છે : મારી પાસે પુરાવા હતા તે અમારા રાજકીય નેતાઓને બતાવ્યા, પણ એમણે કહ્યું, આવું બોલાય નહીં. આપણા માટે લોકતંત્ર પવિત્ર છે ! ભારતમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે એમ વારંવાર કહ્યા પછી રાહુલ ગાંધીએ શિકાગો યુનિવર્સિટીનાં ભાષણમાં કહ્યું : ગેરરીતિ - ગરબડ હોવા છતાં અમે ચૂંટણીનો બહિષ્કાર નહીં કરીએ, કારણ કે અમે જ્યારે કાર્યકરોને બહિષ્કાર કરવા જણાવીએ તો તે ઘડીએ જ ભારતમાં લોકતંત્રનો અંત આવી જાય. રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ સામે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી છે અને પંચને 48 પ્રશ્ન પૂછવાની પરવાનગી માગી છે. પંચ સોગંદનામા સાથે જવાબ આપે એવી માગણી છે. આ બાબતમાં સુપ્રીમ કોર્ટ શું જવાબ આપે છે, કેટલા પ્રશ્નો માટે મંજૂરી આપે છે તે જોવાનું છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે ચૂંટણીપંચનો કેસ ન્યાયતંત્ર સમક્ષ છે, ત્યારે રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપરથી પંચના કમિશનરને, વડાપ્રધાન મોદીને પદભ્રષ્ટ કરવાની ધમકી આપે તે યોગ્ય છે ? પણ લોકતંત્ર ભારતમાં ખતમ થયું નથી તે હકીકત રાહુલ ગાંધીએ સ્વીકારવી જોઈએ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd