ગાંધીધામ, તા. 20 : શહેરની મધ્યમાં આવેલી અને મહાત્મા ગાંધીનાં નામ સાથે જોડાયેલી ગાંધી માર્કેટની જર્જરિત ઈમારતને તોડીને લગભગ 15 કરોડ રૂપિયાના ખર્ચે નવી આકર્ષક ઇમારતનું નિર્માણ કરવામાં આવશે. લાંબા સમયથી વેપારીઓએ દુકાનો ખાલી કરી દીધી છે અને ત્યારપછી ધંધા-રોજગારનો પ્રશ્ન પણ ઊભો થયો છે, પરંતુ હવે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને લગભગ અઠવાડિયા દરમિયાન વેપારીઓ સાથે બેઠક કરીને આયોજન ઘડવામાં આવે તેવી સંભાવનાઓ છે. ગાંધી માર્કેટની ઇમારત જૂના નકશા મુજબ જ બનાવવામાં આવશે લગભગ 15 કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના છે. બાંધકામ માટે વેપારીઓ પાસે રૂપિયા લેવામાં આવશે, જેમાં હાલના સમયે વહીવટી તંત્ર દ્વારા બાંધકામ માટે 65 ટકા રૂપિયા વેપારીઓ પાસેથી અને 35 ટકા રૂપિયા મહાનગરપાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવશે. જે સ્થિતિમાં હાલના સમય દુકાનો છે તેવી જ રીતે નવી ઇમારતમાં દુકાનો બનાવવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠનો સંપર્ક સાધતા તેમણે વાતને સમર્થન આપીને અઠવાડિયામાં વેપારીઓ સાથે બેઠક કરીને વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવશે, ત્યાર પછી નિર્ણય લેવામાં આવશે તેમ કહીને ઇમારત તોડવા માટેનું કામ આપી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ કાર્યવાહી કરવામાં આવશે, ત્યારપછી આયોજન મુજબ નવી ઇમારતનું નિર્માણ કરવાની દિશામાં પગલાં ભરવામાં આવશે તેમ કહ્યું હતું. ગાંધી માર્કેટની ઈમારત અત્યંત જર્જરિત અવસ્થામાં છે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા ઇમારત ખાલી કરાવવામાં આવી છે, જેના પગલે અહીંના વેપારીઓ માટે રોજગાર ધંધાનો પ્રશ્નો ઊભો થયો છે, પરંતુ હવે આ બાબતે તંત્ર નિર્ણય લઈ રહ્યું છે. અહીં ઇમારત માટે વેપારીઓ પાસેથી રૂપિયા લેવા છે તેને સાથો સાથ દુકાનનું ભાડું કેટલું લેવું કે સહિતના પણ નિર્ણયો લેવામાં આવશે તેવું સૂત્રો કહી રહ્યા છે. લાંબા સમય પછી વેપારીઓના આ ગંભીર પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી સંભાવના છે. મહાનગરપાલિકાની તિજોરી તળિયાઝાટક છે અને સ્વભંડોળ માટે આવકના સ્ત્રોત ઊભા કરવા અત્યંત જરૂરી છે તે દિશામાં જ તંત્ર સક્રિય થઈ રહ્યું છે, જેના ભાગરૂપે જ આ માર્કેટમાંથી આવક થાય તેવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે.