• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

મદનપુરા ગામે પર્યાવરણ સંરક્ષણ અભિયાન હાથ ધરાયું

કોડાય, તા. 12 : માંડવી તાલુકાના મદનપુરા ગામે મુંબઈ મદનપુરા સમાજ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને પશુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવેલું જંગલી બાવળ સફાઈ અભિયાન પ્રશંસનીય બન્યું છે. ગામના પાદર તથા આસપાસના વિસ્તારોમાં ઊગી નીકળેલા ગીચ જંગલી બાવળને દૂર કરી જાહેર જગ્યાઓને સ્વચ્છ, ખુલ્લી અને સુંદર બનાવવાની કામગીરી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ત્રણ વર્ષ પહેલાં ગામના પાદર અને આસપાસના વિસ્તારોમાં જંગલી બાવળનું પ્રમાણ વધી જતાં ગીચ ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા હતા, તેના કારણે પશુઓને ચરવા તથા મુક્તપણે હરવા-ફરવામાં મુશ્કેલી પડતી હતી. આથી જેસીબી મશીનની મદદથી આશરે એક મહિના સુધી સફાઈ અભિયાન ચલાવી મોટા પ્રમાણમાં જંગલી બાવળ દૂર કરવામાં આવ્યા હતા. મુંબઈ મદનપુરા સમાજ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી એક વ્યક્તિને કાયમી પગાર આપી આ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. પરસોતમભાઈ માવાણી ગામના પાદર સહિત આસપાસના વિસ્તારોમાં નિયમિત સફાઈ કરી નવા ઊગી નીકળતા જંગલી બાવળને દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે. મુંબઈ મદનપુરા સમાજના અગ્રણીઓ મોહનભાઈ રામજિયાણી, શાંતિલાલભાઈ રૂડાણી તથા તેમની ટીમ સહિતના સભ્યો વતન સ્વચ્છ અને સુંદર રહે તેવા ઉમદા હેતુથી આ કામગીરીને સહયોગ આપી રહ્યા છે. સ્થાનિક સમાજના પ્રમુખ શિવગણભાઈ માવાણી, કુલ્લીન ભગત, જયંતીભાઈ પારસિયા અને રમેશ લાલજી, ભાવેશ સેંઘાણી સહિતના અગ્રણીઓએ પણ સમાજના આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. ખાસ કરીને સતત ત્રણ વર્ષથી સફાઈ અને જાળવણી માટે કાયમી વ્યવસ્થા જાળવી રાખવી એ સમાજની સેવાભાવના અને વતન પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd