ગાંધીધામ, તા. 12: ગાંધીધામ-આદિપુર શહેરમાં તંત્રની
બેદરકારીના કારણે નાગરિકો પાયાની સુવિધાઓ માટે કઈ હદે વલખાં મારી રહ્યા છે તેનું જીવંત
ઉદાહરણ આદિપુરના ત્રણ-બી વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. આ વિસ્તારના રહેવાસીઓ છેલ્લા
20 વર્ષોથી પીવાના પાણીની ગંભીર
સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નિયમિત વેરા અને પ્રોપર્ટી ટેક્સ ભરવા છતાં સ્થાનિક લોકોને
શુદ્ધ પાણી મેળવવા માટે તંત્રના દરવાજા ખખડાવવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં સ્થિતિ
એવી છે કે દર ચાર થી પાંચ દિવસે માંડ એક જ વાર પાણીનો જથ્થો આપવામાં આવે છે. વળી, જ્યારે પણ પાણી આવે છે ત્યારે તેનું પ્રેશર
ખૂબ જ ઓછું હોય છે અને સાથે જ માટી તથા કચરા ભરેલું ગંદુ પાણી આવે છે, જે વાપરવાલાયક પણ હોતું નથી. આ કાંપવાળા અને ગંદા પાણીના કારણે ઘરના પાણીના
પંપ તેમજ અન્ય ઉપકરણો બગડી રહ્યા છે, એટલું જ નહીં પરંતુ વિસ્તારમાં
ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત સેવાઈ રહી છે. આ સમસ્યા અંગે સ્થાનિક લોકો દ્વારા
મહાનગરપાલિકા કચેરીમાં અસંખ્ય મૌખિક, લેખિત અને ઓનલાઇન ફરિયાદો
કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી અને આજ
દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. આ બાબતે સ્થાનિક રહેવાસી પ્રશાંત રાવ દ્વારા તંત્રને
ઊગ્ર રજૂઆત કરવામાં આવી છે કે જો આગામી બે થી ચાર દિવસમાં પાણીની પાઇપલાઇનનું ચાકિંગ
કરી, પ્રેશર અને ક્વોલિટી સુધારીને નિયમિત શુદ્ધ પાણીનો પુરવઠો
શરૂ કરવામાં નહીં આવે, તો આ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં આવશે.
વર્ષોથી માત્ર ફોલોઅપ લઈને કંટાળેલા નાગરિકોમાં હવે સ્થાનિક તંત્ર સામે ભારે રોષ ભભૂકી
ઉઠ્યો છે, અને લાંબા સમયથી પીડિત આ વિસ્તારના લોકો માટે તંત્ર
વહેલી તકે યોગ્ય કાયમી ઉકેલ લાવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.