મુંબઈ, તા. 11 : માતૃભૂમિ કચ્છના સ્થાપત્ય,
પર્યાવરણ અને સર્વાંગી ઉત્થાન માટે પોતાના વ્યાવસાયિક જ્ઞાન-લાભ આપવાના
ઉમદા હેતુ સાથે મુંબઈની દાદર ક્લબ ખાતે કવીઓ પ્રોફેશનલ્સની પ્રથમ ઐતિહાસિક બેઠક અને
મંથન સત્ર યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુંબઈ અને આસપાસના વિસ્તારમાંથી 40થી વધુ નામાંકિત સિવિલ એન્જિનીયર, આર્કિટેક્ટ અને ઈન્ટીરિયર ડિઝાઈનર્સ હાજર રહ્યા
હતા. ઈનોવેશ અને ક્રિએટિવિટીથી કચ્છનો નકશો બદલવાનો સામૂહિક સંકલ્પ લેવાયો હતો. ખાસ
કરીને ગામડાંઓની સ્વચ્છતા સાથે આધુનિક વેસ્ટ મેનેજમેન્ટ માટે કચ્છમિત્રના સહયોગથી પ્રોજેક્ટ
હાથ ધરાશે તેવી વિગત અપાઈ હતી. - કચ્છના 360 ડિગ્રી વિકાસની બ્લૂપ્રિન્ટ રજૂ : કાર્યક્રમના
મુખ્ય વક્તા અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયાએ `ભારતના વિકાસમાં અને કચ્છના પુનરુત્થાનમાં
કવીઓ પ્રોફેશનલ્સની ભૂમિકા' વિષય પર સર્વાંગી
વિકાસનો રોડમેપ રજૂ કર્યો હતો. તેમણે ભૂખી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, લેન્ડ બેંકનો સુઆયોજિત ઉપયોગ તેમજ કચ્છની પૌરાણિક સ્થાપત્ય કળા અને હેરિટેજ
સાચવવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ટેકનિકલ અને પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું
હતું. તેમના આ પ્રેરણાદાયી વક્તવ્યને ઉપસ્થિત તમામ પ્રોફેશનલ્સે વધાવી લીધું હતું.
- ગામડાંઓની સ્વચ્છતા અને આધુનિક
વેસ્ટ મેનેજમેન્ટનો સંકલ્પ : અગ્રણી ડિઝાઈનર
દીપેન ગડાએ કચ્છના ગ્રામીણ વિસ્તારોની કાયાપલટ કરવા માટે એક ક્રાંતિકારી વિચાર રજૂ
કર્યો હતો. તેમણે કચ્છના પ્રત્યેક ગામને સ્વચ્છ-સુંદર બનાવવાની સાથે કચરાના યોગ્ય નિકાલ
માટે આધુનિક ડમ્પિંગ ગ્રાઉન્ડ અને વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ તૈયાર કરવાની વિભાવના
મૂકી હતી. પ્રોફેશનલ્સની આ ટીમ ટૂંક સમયમાં એક સંપૂર્ણ પ્રેઝન્ટેશન રિપોર્ટ તૈયાર કરશે, જે `કચ્છમિત્ર'ના સહયોગથી
ધરતી પર સાકાર કરવામાં આવશે. - વૈશ્વિક સ્તરે કચ્છની ઓળખ સ્થાપિત કરવાનું આહ્વાન : જાણીતા આર્કિટેક્ટ કિરણ ગાલાએ કચ્છના ભવિષ્યના
નિર્માણ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, કચ્છમાં આર્કિટેક્ચર અને ડિઝાઈનિંગ ક્ષેત્રે એવા ઈનોવેટિવ અને ક્રિએટિવ પ્રોજેકટ્સ
હાથ ધરવા જોઈએ જેથી સમગ્ર વિશ્વમાંથી પ્રોફેશનલ્સ કચ્છનું સ્થાપત્ય જોવા અને શીખવા
માટે આકર્ષાય. - કાનૂની સંસ્થા
તરીકે આકાર લેશે પ્રોફેશનલ ફોરમ : આ `કવીઓ પ્રોફેશનલ્સ
ફોરમ' ટૂંક સમયમાં જ એક અધિકૃત કાનૂની સંસ્થા તરીકે
નોંધાશે. સંસ્થાના મુખ્ય ઉદ્દેશોમાં યુવા પ્રોફેશનલ્સ માટે ટ્રેઈનિંગ અને વર્કશોપનું
આયોજન કરવું, કચ્છના જાહેર અને સામાજિક નિર્માણકાર્યોમાં તકનીકી
માર્ગદર્શન પૂરું પાડવું તેમજ સામાજિક ઉત્થાનનાં કાર્યોમાં સક્રિય સહયોગ આપવાનો રહેશે.
- આગામી બેઠકનું આયોજન : આ સમગ્ર કાર્યક્રમનું
સંચાલન આર્કિટેક્ટ હસમુખ શાહ અને આર્કિટેક્ટ કિરણ ગાલા દ્વારા કરવામાં આવ્યું હતું. ઓપન હાઉસ
ચર્ચાનું મોડરેશન અરાવિંદ મામણિયા અને દીપેન ગડાએ કર્યું હતું. આ ફોરમની આગામી મહત્ત્વપૂર્ણ
બેઠક જાન્યુઆરી 2027માં યોજાશે, જેમાં સંસ્થાનું અધિકૃત નામ અને આગળની કાર્યયોજના
જાહેર કરવામાં આવશે.