ભુજ, તા. 7 : સમગ્ર દેશમાં રોડ નેટવર્કને
આધુનિક કક્ષાનું બનાવવા માટે અનેકવિધ નવા પ્રકલ્પો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા
હાથ ધરાઈ રહ્યા છે. રોડ માળખાંને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા માટે પી.એમ ગતિશક્તિ
યોજના તળે દેશનો સૌથી મોટો કોસ્ટલ કોરિડોર દક્ષિણ ગુજરાતનાં ઉમરગામથી કચ્છનાં નારાયણસરોવર
વચ્ચે બનવાનો છે. આ કોસ્ટલ કોરિડોરનાં અંતિમ ચરણમાં કચ્છનો સમાવેશ થયો હોવાથી કચ્છે
હજુ આ કોસ્ટલ કોરિડોરનાં નિર્માણ માટે લાંબો સમય સુધી રાહ જોવી પડશે. - પ્રથમ ચરણે હજુ પૂર્ણ નથી થયું : 1630 કિલોમીટર લાંબા એવા દેશના સૌથી મોટા કોસ્ટલ કોરિડોરમાં પ્રથમ
ચરણમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને આવરી લેવાયા હતા. કોસ્ટલ કોરિડોરનો આખો પ્રોજેક્ટ
ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો, પણ ત્રણ વર્ષની સમય અવધી પૂરી થઈ ચૂકી છે,
ત્યારે કોસ્ટલ કોરિડોરનું પહેલું ચરણ પણ હજુ પૂરું થયું નથી. - ગ્રીન ફિલ્ડ કોરિડોરનો પણ સમાવેશ : 1630 કિલોમીટર લાંબા કોસ્ટલ કોરિડોરમાં 140 કિ.મી.ના ગ્રીન ફિલ્ડ કોરિડોર
અને 1490 બ્રાઉન ફિલ્ડ કોરિડોરનો સમાવેશ
થાય છે. આ કોરિડોરનાં નિર્માણમાં એ બાબતનો
ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે કે, ભવિષ્યમાં
જો અહીં કોઈ વિકાસકામો હાથ ધરવાના થાય, તો અમુક વિસ્તારને બહાર
તરીકે અનામત રખાયો છે. - પ્રવાસન-આર્થિક વિકાસને વેગ : આ કોસ્ટલ કોરિડોર રચવાનો મૂળ ઉદ્દેશ પ્રવાસન અને આર્થિક વિકાસને
વેગ આપવાનો છે. દક્ષિણ ગુજરાતથી કચ્છને જોડતા દેશના સૌથી મોટા દરિયાઈ પટ્ટાને જોડતા
આ કોસ્ટલ કોરિડોરથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક
વિકાસને નવી દિશા મળવા સાથે અહીં આવતાં પ્રવાસન સ્થળોનો પણ સુનિયોજિત વિકાસ થવાનો છે.
આ કોરિડોરનાં નિર્માણમાં ખાસ પ્રકારના સેલ્ફી પોઈન્ટ પણ તૈયાર કરાયા છે, જેથી અહીંથી પસાર થતા લોકો દરિયાઈ વિસ્તારનું
સેંદર્ય સારી રીતે માણી શકે. નોંધનીય છે કે, આ પ્રોજેક્ટ પાછળ
2400 કરોડથી વધુનો ખર્ચ કરવામાં
આવનાર છે. આ રોડના અંતિમ ચરણમાં કચ્છનો સમાવેશ થયો હોવાથી પ્રથમ બે તબક્કા પૂર્ણ થયા
બાદ જ કચ્છનું કામ હાથ પર લેવાશે તેવી સત્તાવાર વિગતો સાંપડી છે.