ભુજ, તા. 23 : આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય
નિધિ, જૂનાગઢ દ્વારા પ્રતિ વર્ષ અપાતો નરસિંહ મહેતા
એવોર્ડ વર્ષ 2026 માટે કચ્છના
જાણીતા સર્જક રમણીક સોમેશ્વરને જાહેર કરાયો છે. ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત એવો આ
એવોર્ડ આગામી 26/10ના વાલ્મીકિ જયંતીના પૂ. મોરારિબાપુના
હસ્તે ભુજ ખાતે એક સમારોહમાં એનાયત કરાશે. મૂળ અંજારના વતની રમણીકભાઇનો જન્મ 26 જાન્યુઆરી, 1951ના આડેસર
ખાતે થયો હતો. ગુજરાતી-હિન્દી સાથે અનુસ્નાતક થયેલા રમણીકભાઇના જુદા-જુદા સાહિત્ય પ્રકારના
પંદર પુસ્તકો પ્રકાશિત થયાં છે, જેમાં
ત્રણ કાવ્યસંગ્રહ તમે ઉકેલો ભેદ, શાહીનું ટીપું, થોડા પડછાયા, રમણીક સોમેશ્વરની કવિતા ઉપરાંત તેમના કાવ્યોનો
દિલીપ ઝવેરીએ અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત કર્યો છે. એમનો કરચલિયું તળાવ નામે નિબંધ
સંગ્રહ પણ પ્રકાશિત થયો છે. તેલુગુ કવિ એન. ગોપીના તેલુગુ દીર્ઘ કાવ્યના હિન્દી-અંગ્રેજી
અનુવાદ પરથી રમણીકભાઇએ કરેલા અનુવાદ `જળગીત'એ રમણીકભાઇને
બહોળી પ્રસિદ્ધિ અપાવી છે. આ ઉપરથી એમણે ઝંઝાવાત વચ્ચે ફૂલ, સાહિત્યને
સૂવા નહીં દઉં, `બા, બાપુ અને ભાઇ' પુસ્તકોના
પણ અનુવાદ કર્યા છે. એમણે ચાર પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે, જેમાં ગુજરાતી કવિતા ચયન-2002, આનંદ આલોકમાં, પત્રલાભ તથા ધીરેન્દ્ર મહેતાની કવિતાઓ જેવાં પુસ્તકોનું સંપાદન કર્યું છે.
કચ્છના પ્રતિષ્ઠિત ગુજરાતી સાહિત્યકાર એવા રમણીકભાઇને તારામતી વિશનજી ગાલા,
ડો. જયંત ખત્રી-બકુલેશ એવોર્ડ મળ્યા છે, તો તેમના
અનુવાદ જળગીત માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો 2009ના વર્ષનો પારિતોષિક તથા ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક પણ શાહીનું
ટીપું કાવ્યસંગ્રહ માટે મળેલ છે. કચ્છમિત્રના નિયમિત લેખક એવા રમણીકભાઇની `શબ્દ સમીપે' કોલમ પણ કચ્છમિત્રમાં પ્રસિદ્ધ થઇ હતી. રમણીકભાઇને
ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત એવો આ નરસિંહ મહેતા એવોર્ડ જાહેર થતાં કચ્છના સાહિત્યજગતમાં
આનંદની લાગણી ફેલાઇ છે. જાણીતા સર્જક ડો. દર્શનાબેન ધોળકિયાએ આ ક્ષણને આનંદથી વધાવી
રમણીકભાઇને અભિનંદન આપ્યા હતા.