• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

અબડાસામાં રૂા. 3.78 કરોડના ખર્ચે ત્રણ માર્ગોનું ખાતમુહૂર્ત

નલિયા, તા. 31 : રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અબડાસા તાલુકામાં વિકાસલક્ષી કામોને વેગ આપતા કુલ રૂા. 378 લાખ (3.78 કરોડ)ના ખર્ચે મંજૂર થયેલા ત્રણ મહત્ત્વના માર્ગોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનાસિંહ એમ. જાડેજાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે આ વિકાસ કામોનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખાતમુહૂર્તની આ ધાર્મિક વિધિમાં છસરા ખાતે નલિયાના ભૂપેન્દ્ર મહારાજ અને વાંકુના રાજા મહારાજે પિંગલેશ્વર મધ્યે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન કરાવી કાર્યક્રમ સંપન્ન કરાવ્યો હતો. આ અવસરે રાપરગઢ-પિંગલેશ્વર બાયપાસ રોડનું રૂા. 42 લાખના ખર્ચે થનાર કામ, વાંકુ-રાપરગઢ-પિંગલેશ્વર રોડનું રૂા. 248 લાખના ખર્ચે થનાર કામ તેમજ છસરા-કેરવાંઢ રોડનું રૂા. 88 લાખના ખર્ચે થનાર કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ત્રણેય માર્ગો તૈયાર થવાથી પંથકના વાહન વ્યવહાર અને સ્થાનિક પ્રજાની સુવિધામાં મોટો વધારો થશે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ એમ. જાડેજા સાથે અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા તથા કચ્છ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરાસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયત સદસ્ય મોથાળા કમા સુરા રબારી, જિલ્લા ભાજપ મંત્રી પરેશ ભાનુશાલી, અબડાસા ભાજપ પ્રમુખ જયદીપાસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિનોદ દરજી, સૈયદ કાદરશાબાવા, મહામંત્રી વિનય રાવલ, ગોપાલ ગઢવી તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વિવિધ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સ્થળોએ યોજાયેલા ખાતમુહૂર્ત દરમિયાન સ્થાનિક લોકો દ્વારા ધારાસભ્ય તેમજ અન્ય આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. 

Panchang

dd