ભુજ, તા. 31 : તાલુકાના માધાપર પોલીસ મથક
વિસ્તારમાં આવેલા પૈયા ગામની સીમમાંથી પશ્ચિમ કચ્છ એલસીબીએ ગૌવંશનું ખતલખાનું ઝડપી
બે આરોપીને પકડી પાડયા હતા અને 100 કિલ માસના
જથ્થા સહિત કુલ રૂા. 5,18,750નો
મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસે આપેલી વિગતો મુજબ,
પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પૈયાની સીમમાં આરોપી કરીમ
ભચુ મમણ અને હનીફ આમદ ત્રાયા (બંને રહે. નાના વરનોરા)ને 100 કિલો ગૌવંશના માંસ, નાની-મોટી છરી, કુહાડી
સહિતના હથિયારો, જીજે 12 એઝેડ 5092નું માલવાહક
વાહન તથા એક ટ્રેક્ટર અને રોકડા રૂા. 3,750 મળી કુલ રૂા. 5,18,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કબજે કરાયેલા માંસના જથ્થાને પરીક્ષણ
અર્થે મોકલાયો હતો. તે ઉપરાંત આરોપીઓ જિયાદ કરીમ મમણ, આદીલ જુમા ઉર્ફે ડાડા મમણ અને અલ્લાઉદ્દીન હનિફ
ત્રાયા (ત્રણેય રહે. નાના વરનોરા)ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. આ કામગીરીમાં
પીઆઈ એ. એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ. એચ. શિણોલ, એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ, નીલેશભાઈ ભટ્ટ, સુરેન્દ્રસિંહ ઝાલા, સુનીલભાઈ પરમાર, હેડ કોન્સ. ધર્મેન્દ્રભાઈ રાવલ, નવીનભાઈ જોશી,
રણજિતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ,
દિવ્યરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહીલ અને કોન્સ.
ભરતભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.