ભુજ, તા. 31 : શહેરના હમીરસર સ્થિત રાજવી
પરિવારના અંતિમસંસ્કાર સ્થળ અને સ્મારક છતરડીને રાષ્ટ્રીય સ્મારક તરીકે પુરાતત્ત્વ
ખાતાંને સોંપાયા બાદ આસપાસના 300 મીટરમાં આવેલી
28 સોસાયટીઓને મકાનની મરંમત અને
બાંધકામ સહિતના મુદ્દે આર્કિયોલોજી વિભાગની મંજૂરી લેવી પડે છે જે મળતી નહીં હોવાથી
આ મુદ્દાના લાંબા સમયથી વણઉકેલ પ્રશ્ન માટે આજે
યોજાયેલી બેઠકમાં રહેવાસીઓ દ્વારા ચર્ચા અને વડાપ્રધાન સુધી થયેલી રજૂઆતો વર્ણવી
મંગળવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા નિર્ણય લઈ લડતના મંડાણ કર્યાં હતાં. લોકોને
મંજૂરી નથી મળતી જ્યારે સરકારી કોલોની અને ધાર્મિક બાંધકામ કેમ થઈ ગયાં તેની સામે સવાલ
ઉઠાવ્યા હતા. રહેવાસીઓ દ્વારા વોર્ડ 7ના નગરસેવકો પાસે ઉકેલ માટે પ્રયાસો કરવા રજૂઆતને પગલે કે.ડી.સી.સી.
બેન્કના હોલમાં આયોજિત બેઠકને સંબોધતાં રાજેન્દ્રસિંહ જાડેજાએ પુરાતત્ત્વ ખાતાના કર્મચારીઓ
દ્વારા નાની -નાની બાબતોમાં કનડગત કરાય છે. સ્મારક સ્થળની જમીન નક્કી કરાય અને તેનાથી
300 મીટરમાં બાંધકામ કરવા ભાડા
પાસે મંજૂરી મગાય તો પુરાતત્ત્વ ખાતાની મંજૂરી મેળવવા જણાવાય છે જે મળતી નથી, જેથી બાંધકામ મંજૂરી અટકે છે. બેન્ક લોન નથી
મળતી તેના ઉકેલ માટે રહેવાસીઓનાં સૂચનો જાણવા માગ્યાં હતાં. કેડીસીસી બેન્કના ચેરમેન
દેવરાજભાઈ ગઢવીએ કચ્છ જિલ્લા સહકારી સોસાયટી ફેડરેશનના પ્રમુખ તરીકે તમામ સોસાયટીઓના
વહીવટી કાર્યે તૈયાર રાખવા, અદાલતી કાર્યવાહી માટે ફંડના આયોજન
માટે તૈયારી રાખવા જણાવતાં ઉમેર્યું કે, સોસાયટીઓને જમીન નગરપાલિકાએ
આપી છે. છતરડીમાંથી હડપ્પન જેવું જમીનમાંથી નીકળવાનું નથી, ઊંચી
જગ્યા નથી જેથી પડે તો કોઈને નુકસાન થાય. સંયુક્તા, સત્યમ,
એકતા સોયાસટી 30થી 45 વર્ષ જૂની
હોવાથી અને ભૂકંપમાં મકાનો જર્જરિત થયાં હોવાથી ભાડા મરંમત માટે મંજૂરી આપતી ન હોવાથી
નગરપાલિકા, રાજકીય અગ્રણીઓ સાથે જિલ્લા
કલેકટરને રજૂઆત કરવા પ્રતિનિધિ મંડળ સાથે જઈને રજૂઆત કરી છે. કચ્છ રાજપૂત ક્ષત્રિય
સભાની છતરડી બાજુની 125/1 સર્વે નંબરવાળી
જમીન માટે 13 એકર 19 ગુંઠા જમીન હોવાનું અદાલતે
ઠરાવી આપતાં માપણી સીટ પણ બની ગઈ છે તેવું અગ્રણી નવલસિંહ જાડેજાએ જણાવ્યું હતું. છતરડીને
ભૂકંપમાં નુકસાન થયા બાદ સમારકામ થયું નથી. જો કચ્છ રાજ પરિવારને સોંપાઈ જાય તો મરંમત
કરવા અને રાજવી પરિવારના અંતિમસંસ્કાર થયા છે તેમના સ્મારક બનાવવાની તૈયારી હોવા બાબતે
ત્રણ વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હોવાનું કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વડાપ્રધાનના
આર્કિયોલોજી વિભાગે નકશા મગાવ્યા હજુ કોઈ કાર્યવાહી કરાઈ નથી. કાયદામાં સુધારો કરવા
માટે પ્રતિનિધિ મંડળ દિલ્હી લઈ જવા સચિનભાઈ ઉપાધ્યાયે સૂચન કર્યું હતું. જિલ્લા કલેકટરને
આપવા આવેદનપત્ર તૈયાર કરવાની જવાબદારી પ્રવીણસિંહ જાડેજા, પ્રવીણભાઈ ઠક્કર, નિશિતભાઈ
માંકડ અને વિનુદાન ગઢવીને સોંપાઈ હતી. નગરસેવકો મયંકભાઈ ઠક્કર, મીનાબેન ગઢવી સહિતના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ સાવિત્રીબેન જાટે
કરી હતી.