નવી દિલ્હી, તા. 31 : જમ્મુ-કાશ્મીરના
કુલગામ જિલ્લાના કિલમ વિસ્તારમાં નાપાક આતંકીઓએ બે બિનકાશ્મીરી શ્રમિકો પર ગોળીબાર
કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતકની
ઓળખ છત્તીસગઢના દીપક તરીકે થઈ છે. જ્યારે ભૂપેન્દ્રકુમારની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાન
સ્થિત ત્રાસવાદ સંગઠન લશ્કર-એ-તૈયબા (એલઈટી)એ આ હુમલાની જવાબદારી લીધી છે. સુરક્ષાદળોએ
વિસ્તારને ઘેરીને શોધખોળ ઓપરેશન શરૂ કર્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં જંગલની અંદર
એક આતંકવાદી અડ્ડાનો પર્દાફાશ થયાના બીજા દિવસે આ હુમલો થયો છે. પોલીસ અને સેનાની સંયુક્ત
ટીમ સર્ચ ઓપરેશન કરી રહી હતી. આ વિસ્તાર ખૂબ જ ગાઢ છે અને ચારે બાજુ ઊંચા વૃક્ષો છે.
- સેનાએ તોડી
પાડયું પાકનું ડ્રોન : શ્રીનગર, તા. 31 : ભારતીય સેનાએ શુક્રવારે સતર્કતા
બતાવતાં કાશ્મીરના ખૌડ ક્ષેત્રમાં પાકિસ્તાનનું ચાઈનીઝ ડ્રોન તોડી પાડયું હતું. ચકલા
ગામ પાસે પાકનું ડ્રોન બેહદ મહત્ત્વનાં સંરક્ષણ સ્થળો પર ચક્કર મારી રહ્યું હતું. પ્રારંભિક
માહિતી મુજબ આ ડ્રોન ભારતીય સીમાક્ષેત્રમાં નાપાક જાસૂસી કરવાની કોશિશ કરી રહ્યું હતું. સુરક્ષાદળોએ તરત જ ડ્રોન પર નિશાન સાધતાં જમીન પર
પડી ગયું હતું.આ ઘટના બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી નાખી હતી. પાકના
ડ્રોનને કબજામાં લઈને તપાસ આદરી હતી. જપ્ત કરાયેલા યુએવીની તાંત્રિક તેમજ ફોરેન્સિક
તપાસ શરૂ કરી દેવાઈ હતી. ખાસ કરીને ડ્રોનનું સંચાલન ક્યાંથી થઈ રહ્યું હતું. તેની તપાસ
કરાઈ રહી છે. પાકિસ્તાને ચીની ડ્રોનની મદદથી ભારતની સંવેદનશીલ જાણકારી મેળવવાનો પ્રયાસ
કર્યો હતો. કે કેમ તે જાણવાની પણ તપાસ થઈ રહી છે. ખૌડ ક્ષેત્ર નિયંત્રણ રેખા નજીક છે
અને ત્યાં સુરક્ષાદળો સતત સતર્ક રહે છે. ડ્રોનમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા, જિમ્બલ, લેઝર આધારિત નેવીગેશન
સિસ્ટમ હતી.