• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

સ્પેનમાં ઘૂસવાના પ્રયાસમાં આફ્રિકાના 34 હિજરતીનાં મોત

સિઉટા, તા. 31 :  સ્પેનમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે 34 આફ્રિકી હિજરતીનાં મોત થયાં હતાં. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે સવારે બની હતી, જ્યારે 3 હજાર પ્રવાસીઓ એકસાથે સ્પેનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સરહદ પર પોલીસની ઘેરાબંધી અને સુરક્ષા વાડ વચ્ચે સાંકડા રસ્તાઓને કારણે લોકો એકબીજા પર પડી ગયા હતા. ભીડમાં દબાઈ જવાથી, શ્વાસ રૂંધાવાથી અને સમુદ્રમાં ડૂબી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન સ્પેન અને મોરોક્કોના 100થી વધુ સૈનિકો પણ ઘાયલ થયા હતા. સ્પેનિશ સરકાર તરફથી મળેલી માહિતી મુજબ, મોરોક્કો તરફથી લગભગ 60 હજાર લોકો તરીને અથવા ચાલીને સ્પેનિશ શહેર સિઉટામાં પ્રવેશ કરી ચૂક્યા છે. આફ્રિકી અને એશિયાઈ દેશોના પ્રવાસીઓ વધુ સારી જિંદગીની શોધમાં યુરોપીય દેશોમાં પ્રવેશવા માગતા હોય છે. સિઉટા મોરોક્કોના ઉત્તરીય તટ પર આવેલું એક સ્પેનિશ શહેર છે. અહીં પ્રવેશ્યા પછી પ્રવાસીઓને યુરોપીય યુનિયન (ઈયુ)ના ક્ષેત્રમાં એન્ટ્રી મળી જાય  છે. સિઉટા ભલે ભૌગોલિક દૃષ્ટિએ આફ્રિકામાં હોય, પરંતુ તે સ્પેન અને ઈયુનો જ ભાગ છે. એટલે કે, જો કોઈ પ્રવાસી સિઉટામાં પ્રવેશી જાય, તો તે યુરોપની સીમા સુધી પહોંચી જાય છે. આ જ કારણ છે કે હજારો લોકો દર વર્ષે અહીંથી યુરોપમાં દાખલ થવાનો પ્રયાસ કરે છે.  

Panchang

dd