નલિયા, તા. 17 : અબડાસા તાલુકાના નરેડી અને
હિંગરિયા ગામમાં છેલ્લા એક માસથી વીજ પુરવઠો ભારે અનિયમિત રહેતો હોવાથી ત્રાહિમામ પોકારી
ઊઠેલા ગ્રામજનોએ આજે કોઠારા વીજ કચેરી ખાતે રૂબરૂ ધસી જઈને લેખિતમાં આવેદનપત્ર સુપરત
કર્યું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, નરેડી અને હિંગરિયા ગામે છેલ્લા એક મહિનાથી વીજળી ગૂલ થવાની સમસ્યા વકરી છે.
દિવસે તો પાવર કાપ રહે જ છે, પરંતુ રાત્રિના સમયે પણ સતત ત્રણથી
ચાર કલાક સુધી વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે. અસહ્ય ગરમી અને બફારાની સિઝનમાં
રાત્રે પાવર જતો રહેતો હોવાથી નાનાં બાળકો, વૃદ્ધો અને દર્દીઓની
હાલત દયનીય બની જાય છે. ગ્રામજનોએ આવેદનપત્રમાં રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,
ઘરવપરાશ ઉપરાંત છેલ્લા આઠ દિવસથી ખેતીવાડી કનેક્શનમાં પણ પૂરતા વોલ્ટેજ
કે નિયમિત વીજળી મળતી નથી, ખેતીનો પાવર વારંવાર ખોરવાઈ જતો હોવાથી
ઊભા પાકને પાણી આપવામાં ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. નરેડી-હિંગરિયા જૂથ ગ્રામ
પંચાયતના સરપંચ જુસબભાઇ રાયમા તેમજ ઉપસરપંચ માલશીભાઇ કુંવટની આગેવાનીમાં ગ્રામજનોનું
એક પ્રતિનિધિમંડળ કોઠારા કચેરીએ પહોંચ્યું હતું, જેમાં ચંદ્રસિંહ
જાડેજા, કરશન ભાનુશાલી, રવજીભાઈ બુચિયા,
સોઢા મધુભા, હિરજીભાઈ ભાનુશાલી, ભૂપતસિંહ વાધા, હિરજી જેપાર, શિવજી
ગોરડિયા અને અરાવિંદ જેપાર, સિધિક મિયાજી સહિતનાઓ જોડાયા હતા.
ગ્રામજનોએ તંત્રને ચીમકી આપી છે કે, જો વહેલી તકે વીજ પુરવઠો
નિયમિત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં
આવશે.