• રવિવાર, 19 જુલાઈ, 2026

સંસદનું વર્ષાસત્ર ફળદાયી નીવડશે ?

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : સંસદનાં વર્ષાસત્રમાં વિપક્ષો મોદી સરકાર સામે આક્રમક તો બનશે, પણ હવે તેની સંખ્યા અને શક્તિ ક્ષીણ થઈ છે. સંસદની બહાર ઉચ્ચપરીક્ષાનાં પેપર ફૂટયાનો મુદ્દો અને હવે અયોધ્યાના દેવદ્રવ્યની ચોરી - લૂંટનો મુદ્દો હાથવગો છે. ભાજપના હિન્દુત્વ અને ભ્રષ્ટાચારના મુદ્દા વિપક્ષના હાથમાં છે. સંસદસભ્યો - નેતાઓની સંખ્યા પૂરતી નહીં હોવાથી સરકાર સામેનાં આવેદનમાં સમાજના અગ્રણીઓનાં નામ જોડીને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સુપરત થયું છે, હવે આ મુદ્દા સંસદમાં ઊઠાવાશે, ત્યારે સરકાર રાષ્ટ્રવાદ ઉપર ભાર મૂકશે. આર્થિક વિકાસ માટે કેટલાક મહત્ત્વના સુધારા ખરડા રજૂ થનારા છે. તે ઉપરાંત `રાષ્ટ્રગાન' `વંદે માતરમ'નું અપમાન - અવહેલના કરનારાને યોગ્ય સજા મળે તેવી જોગવાઈ કરનારા છે. ગયા વર્ષે ઓગષ્ટમાં ગૃહપ્રધાન અમિતભાઈ શાહે એક ખરડો રજૂ કર્યો હતો તેમાં એવી જોગવાઈ છે કે, વડાપ્રધાન, મુખ્ય પ્રધાનો અથવા કોઈ પણ પ્રધાનની ધરપકડ થઈ હોય અને ગુનો પાંચ વર્ષના જેલવાસ યોગ્ય હોય, તો અને સતત 30 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહ્યા હોય તો તેઓ હોદ્દા ઉપર ચાલુ રહી શકે નહીં - કેજરીવાલે જેલમાં બેઠા સરકાર ચલાવી હતી તેવું થઈ શકે નહીં ! આવા કિસ્સામાં રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ આદેશ આપશે. રાજકારણને અપરાધીકરણથી બચાવવા અને સંવિધાનની નૈતિકતાના હિતમાં આ ખરડો રજૂ થયો હતો તે હવે ફરીથી હાથ ધરાય એવી શક્યતા છે. આવતીકાલ - સોમવારથી સંસદનું વર્ષાસત્ર શરૂ થઈ રહ્યું છે. સમગ્ર દેશવાસીઓ વર્ષાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સંસદનું વર્ષાસત્ર ગાજવીજ સાથે શરૂ થશે, પણ કેવું ફળદાયી નીવડશે તે જોવાનું છે. આ અગાઉ બજેટ સત્રમાં મોદી સરકારના પ્રસ્તાવ - મહિલાઓ માટે સંસદ અને વિધાનસભાઓમાં અનામત બેઠકો અને લોકસભાની સભ્ય સંખ્યામાં વધારો કરવાનો ખરડો ના મંજૂર થયો હતો. લોકસભામાં અત્યારે 543 બેઠક છે તે વધારીને 850 થઈ શકે. આ ખરડા નામંજૂર થયા. કારણ કે સરકારને બે તૃતીયાંશ બહુમતી મળી નહીં, હવે સંવિધાનની જોગવાઈમાં સુધારો કરવા માટે `હાજર રહેલા' સભ્યોમાં બે તૃતીયાંશ બહુમતી હોય, તો જ ખરડા પસાર થાય તેથી આવી બહુમતી મળવાની ખાતરી થાય, તો જ સરકાર ફરીથી ખરડા લાવશે. આગલા સત્રમાં 352 સભ્યનો ટેકો જરૂરી હતો, પણ માત્ર 298 સભ્યનું સમર્થન હોવાથી ખરડા નામંજૂર થયા હતા અને આ પછી વડાપ્રધાન મોદીએ મહિલાઓને અને રાષ્ટ્રને ખાતરી આપી હતી - વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સંસદમાં આ ખરડા મંજૂર થશે જ. મહિલાઓને ન્યાય મળશે જ. જરૂરી બહુમતી માટે વિપક્ષના સભ્યોને `સમજાવવાના' પ્રયાસ શરૂ થયા અને રાજકીય સંજોગો બદલાયા તેની સાથે સંબંધ પણ બદલાયા. તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં. શાસકપક્ષ ડીએમકેનો પરાજય થયો તેથી રાહુલ ગાંધીની કોંગ્રેસે ડીએમકેનો સાથ છોડીને મુખ્યપ્રધાન વિજયનના પક્ષ સાથે હાથ મિલાવ્યા. ડીએમકેએ કોંગ્રેસ સાથેના દાયકા જૂના સંબંધ તોડયા અને લોકસભામાં અલગ, કોંગ્રેસી મોરચાથી અલગ બેઠકો માગી - કોંગ્રેસના ઈડી મોરચાના મહત્ત્વના ભાગીદાર અલગ થયા અને કોંગ્રેસને સમર્થન નહીં આપવાનો નિરધાર કર્યો. ડીએમકેના બાવીસ સભ્ય હવે મોદી સરકારને સમર્થન આપશે એવી ગણના છે. આવી જ રીતે બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાં વધુ મોટું ભંગાણ પડયું છે તેના 28માંથી 20 સભ્ય ભાજપને સમર્થન આપે છે. શિવસેના - શિંદે સેનાના આઠ સભ્ય હવે ભાજપ સાથે છે. અત્યારે ભાજપનાં સમર્થનમાં કુલ 319 સભ્ય હોવાની ગણતરી છે. શરદ પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનું સમર્થન મળે, તો કુલ 327 થાય તો પણ ખરડા પસાર કરવા માટે 33 સભ્યના વોટ ખૂટે છે : રાજ્યસભામાં પ્રોબ્લેમ તો છે. 245 બેઠકમાં અત્યારે - વર્તમાન 242 સભ્ય છે - 24મી જુલાઈએ બંગાળની ત્રણ બેઠકની પેટાચૂંટણી છે, જે એનડીએને મળી શકે છે. ગૃહમાં વોટ માટે 164 સભ્ય જરૂરી છે તેથી શરદ પવારનો ટેકો મળે, તો એનડીએ પાસે 156 થાય છે. હવે કેટલા સભ્યો `ગેરહાજર' રહે છે તેના આધારે હાજર સભ્યોમાં બહુમતી ગણી શકાય. મહિલા આરક્ષણનો ખરડો આ સત્રમાં પસાર થાય નહીં, તો સરકાર 2029ની ચૂંટણી પહેલાં ફરી વખત પ્રયાસ કરશે. આ મુદ્દો વિપક્ષને ભારે પડશે. બજેટસત્રમાં ડીએમકેના સભ્યોની માંગ હતી કે, લોકસભાના ચૂંટણી ક્ષેત્રોનું સીમાંકન નવેસરથી નક્કી કરવામાં દક્ષિણનાં રાજ્યોને વસ્તીના આધારે અન્યાય થાય નહીં તે જરૂરી છે. તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યામાં એક સરખો વધારો થવો જોઈએ. દક્ષિણનાં રાજ્યોમાં વસ્તી નિયંત્રણ સફળતાપૂર્વક પાર પડયું છે તેથી લોકસભાની બેઠકો નક્કી કરવામાં અન્યાય નહીં થવો જોઈએ. ગૃહપ્રધાને ડીએમકેને ખાતરી આપી હતી કે, જરૂરી ખુલાસો લેખિત હશે - આમ છતાં કોંગ્રેસના મોરચામાં હોવાથી ડીએમકેએ વિરોધ કર્યો હતો ! હવેસંજોગો- સંબંધ બદલાયા છે અને ખરડામાં જરૂરી સુધારા થઈ શકશે. 

Panchang

dd