મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 18 : નખત્રાણા
તાલુકાના નેત્રા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને હવે ઉચ્ચ શિક્ષણ માટે દૂર
સુધી જવું નહીં પડે. ગ્રામ્ય શિક્ષણનાં ક્ષેત્રે ઐતિહાસિક ગણાય તેવાં મહત્ત્વપૂર્ણ
પગલાંરૂપે અહીં સારસ્વતમ્ સંચાલિત હાઈસ્કૂલ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ
યુનિવર્સિટીના નેત્રા એક્સ્ટેન્શન સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ આજે કચ્છ યુનિવર્સિટીના
કુલપતિ ડો. મોહન પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ મહાનુભાવોના
હસ્તે દીપ પ્રાગટય સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નેત્રાના સરપંચ બહાદુરાસિંહ જાડેજાએ
ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં શિવજીભાઈ સીજુએ જણાવ્યું હતું
કે, સતત બે વર્ષના અથાક પરિશ્રમ અને વિવિધ સ્તરે
કરવામાં આવેલા પ્રયત્નોના પરિણામે છે. આ પ્રસંગે ડો. રામ સોંદરવા, ડો. અનિલ ગોર, ઇશાકભાઈ સંગાર, અશ્વિનભાઈ
રૂપારેલ, રામભા જાડેજા, મૌલિકભાઈ દોશી સહિતના
મહાનુભાવોએ ઉચ્ચ શિક્ષણનું મહત્ત્વ અને ગ્રામ્ય વિસ્તારમાં એક્સ્ટેન્શન સેન્ટરની આવશ્યકતા
અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કુલપતિ ડો. મોહન પટેલે કહ્યું હતું કે,
આ વિસ્તાર કેળવણીકારોની ધરતી છે. આવતાં વર્ષથી નેત્રાને સરકારી કોલેજ
મળે તેની પૂરી સંભાવના છે. તેમણે આવનારા સમયમાં કચ્છમાં 20 જેટલા એક્સટેન્શન સેન્ટર ખુલ્લા
મૂકવાની નેમ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગુજરાતમાં નર્સિંગ કાઉન્સિલની
પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારા જિજ્ઞાબેન બલિયા તેમજ નેત્રા એક્સ્ટેન્શન સેન્ટર
શરૂ કરવા માટે સતત બે વર્ષ સુધી પ્રયત્નશીલ રહેલા સરપંચ બહાદુરાસિંહ જાડેજા, હારૂનભાઈ કુંભાર અને શિવજીભાઈ સીજુનું સન્માન
કરવામાં આવ્યું હતું. ભારતીબેન ગોસ્વામી,
નેહાબેન રૂપારેલ, રાજુભા સોઢા, ઓસમાણ સુમરા, અશ્વિનભાઈ રૂપારેલ, કલ્પેશભાઈ સચદે, કરણભાઈ રબારી, કરશનજી સોઢા, રામભા જાડેજા, તુષારભાઈ
ગોસ્વામી, ઇશ્વરદાન ગઢવી, રવાભાઈ રબારી
સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વિશ્રામભાઈ ગિલવાએ, જ્યારે
હારૂનભાઈ કુંભારે આભારવિધિ કરી હતી.