• રવિવાર, 19 જુલાઈ, 2026

સસ્તાં સોનાંની જાળ બિછાવી લોકો સાથે છેતરપિંડીનો પ્રયાસ નાકામ

ભુજ, તા. 18 : સોશિયલ મીડિયામાં ખોટી આઈ.ડી. બનાવી તેમાં સસ્તાં સોનાંનાં બિસ્કિટની જાહેરાતના ફોટા અને વીડિયો બનાવી પોસ્ટ મૂકી લોકોને આવી લલચામણી જાળમાં ફસાવી છેતરપિંડીનો પ્રયાસ કરનારા ભુજના ત્રણ શખ્સને એલસીબીએ ઝડપી પાડયા છે. ગઈકાલે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, સાજિદ કરીમ મલેક તેના સાગરીતો સાથે મળીને સસ્તાં સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાની ફિરાકમાં છે અને હાલે તેઓ નાગોર રોડ પાસે આવેલી પનવેલ સોસાયટીથી નીકળી ટુ વ્હીલરથી આશ્રમ ચોકડી બાજુ આવે છે. આમ આરોપીઓ સાજિદ કરીમ મલેક (રહે. સેજવાળા માતામ, ભુજ), સોહિલ અબ્દુલ કેવર (રહે. મચ્છીયારા ફળિયુ, ભુજ), આદમ મહેમુદ મલેક (રહે. સંજોગનગર, ભુજ)ને ઝડપી તેઓ પાસેના એક્ટિવા નં. જી.જે.-12-એચડી-0491વાળીની ડીકીની તલાસી લેતાં તેમાંથી સોનાં જેવા લાગતાં ચાર નકલી સોનાંનાં બિસ્કિટ મળ્યાં હતાં. આ અંગે પૂછતાછ કરતાં તેઓએ જણાવ્યું કે, અમે ત્રણે સાથે મળી રાજ્ય બહારની પાર્ટીઓને ઈન્સ્ટાગ્રામ તથા ફેસબુકમાં ખોટી આઈ.ડી. બનાવી તેમાં સોનાંનાં બિસ્કિટના ફોટા-વીડિયો મૂકી લલચાવીને ભુજમાં અલગ-અલગ જગ્યાએ બોલાવીને નકલી સોનાંનાં બિસ્કિટનો છેતરપિંડી માટે ઉપયોગ કરીએ છીએ. આમ ત્રણે આરોપીને કુલ પાંચ મોબાઈલ ફોન કિં. રૂા. 1,15,000, એક્ટિવા કિં. રૂા. 50,000, પલ્સર બાઈક નં. જી.જે.-12-એચ.એફ.-3214 કિં. રૂા. 40,000 તથા ચાર નકલી સોનાંનાં બિસ્કિટ એમ કુલ્લે રૂા. 2,45,000ના મુદ્દામાલ સાથે ઝડપી એ-ડિવિઝન પોલીસ મથકે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરાઈ છે. આ કામગીરીમાં એલસીબીના એએસઆઈ નીલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, હે.કો. ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, કોન્સ. ભરતભાઈ ગઢવી જોડાયા હતા. 

Panchang

dd