• રવિવાર, 19 જુલાઈ, 2026

દિવાળી સુધીમાં માંડવીની ટ્રાફિક સમસ્યાનો આવશે કાયમી અંત

કોડાય (તા. માંડવી), તા. 18 : માંડવી શહેરને કનડતી ટ્રાફિક સમસ્યાનો અંત દિવાળી સુધીમાં આવી જશે. જૈન આશ્રમથી કાઠડા જંક્શન સુધીના બાયપાસ માર્ગનું કામ પૂર્ણતાને આરે છે.  માંડવીની વીઆરટીઆઈથી ફોરેસ્ટ સુધીનો માર્ગ ટ્રાફિકથી ભરચક રહે છે અને સમયાંતરે આ માર્ગ ગંભીર અકસ્માતોથી રક્તરંજિત થતું રહે છે, ત્યારે માંડવીના શહેરીજનોને ટ્રાફિકમાંથી મુક્તિ માટેના બાયપાસ માર્ગનો વિકલ્પ હવે ખૂલી જશે. છેલ્લાં આઠેક વર્ષથી માંડવીને બાયપાસ માર્ગના નિર્માણ આડે વિવિધ અવરોધો આવતા હતા અને લાંબા ઇંતેજાર બાદ માંડવી શહેરને આ બાયપાસ માર્ગ મળશે. આગામી દિવાળીથી પહેલાં બાયપાસ માર્ગ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ જશે તેવું નેશનલ હાઈ-વે ઓથોરિટીમાંથી જાણવા મળી રહ્યું છે. નેશનલ હાઈ-વે ઓથોરિટીના ડેપ્યુટી ઇજનેર દર્શનાબેન ગોસ્વામીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આ બાયપાસ માર્ગનો 60થી 65 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને રુકમાવતી નદી ઉપર આવતા મેજર બ્રિજના 50માંથી 45 બીમ ઊભા કરી દેવાયા છે અને બાકી રહેતું કામ દિવાળીથી પહેલાં આટોપી લેવાશે. બાયપાસ માર્ગ નિર્માણથી માંડવી શહેરની ટ્રાફિક સમસ્યાનો કાયમી હલ આવશે અને મોટાં વાહનો તેમજ પ્રવાસી ફોરવ્હીલર સહિતનાં વાહનો માંડવી શહેરને બાયપાસ થઈને નીકળી જશે, જેથી શહેરીજનોને ટ્રાફિકની કનડતગત રહેશે નહીં. 

Panchang

dd