• રવિવાર, 19 જુલાઈ, 2026

ભચાઉ : ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 18 : ગુજરાતમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. ભચાઉ પાસે પોલીસે નવો કીમિયો નિષ્ફળ બનાવ્યો હતો. ગાડીમાં ઘરવખરી સાથે દારૂ લઈ જતા શખ્સને પકડી પાડી તેની પાસેથી રૂા. 5,76,600નો શરાબ જપ્ત કરાયો હતો. આ બનાવના તાર મુંબઈ સુધી લંબાયા હતા. આજે સવારે ભચાઉની સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન સામખિયાળી બાજુથી આવતાં વાહનમાં ઘરવખરીના સામાન સાથે દારૂ હોવાની પૂર્વ બાતમી ખાનગી બાતમીદારો દ્વારા મળી હતી. જેના પગલે પોલીસે રામદેવ પીર હાઈવે પુલિયા પાસે વોચ ગોઠવી હતી, તેવામાં બાતમીવાળી બંધ બોડી બોલેરો પીકઅપ નંબર એમએચ-08-એલવાય-9294 આવતાં તેને રોકાવાઈ હતી અને પાછળનાં ઠાંઠાંમાં તપાસ કરતાં તાળું મારેલું હતું, જેથી વાહનના ચાલક પાસેથી તે ખોલાવતાં શરૂઆતમાં સોફા, વોશિંગ મશીન, ફ્રિઝ, ગેસનો ખાલી બાટલો, કૂલર વગેરે ઘરવખરીનો સામાન નજરે પડયો હતો, પણ પોલીસે નજરને તેજ કરી અંદર જઈને તપાસ કરતાં આ ઘરવખરીના સામાન પાછળથી ખાખી રંગના બોક્સ મળી આવ્યાં હતાં, જેને ખોલીને તપાસ કરાતાં તે 13 બોક્સમાંથી શરાબ નીકળી પડયો હતો. વાહનચાલક વોંધના બાલા ગેલા રાવરિયા (પટેલ)ને પકડીને પોલીસ મથકે લઈ જવાયો હતો, જ્યાં દારૂની ગણતરી કરવામાં આવી હતી. આ વાહનમાંથી ડોક્ટર ડેન ચોઈસ ફોર સેલ ઈન ગોવા ઓન્લીની 750 મિલિની 516 બોટલ તથા મેજીક મુમેન્ટ 180 મિલિના 2400 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 5,76,600નો શરાબ જપ્ત કરાયો હતો. ફોર સેલ ઈન ગોવા ઓન્લી લખેલો આ દારૂ તેને ભીવંડી રોડ-મુંબઈના પ્રદીપ અમરલાલ ઉર્ફે આંધાલાલ જોશીએ વેચાણ માટે ભરી આપ્યો હતો, પણ આ શખ્સ સ્થાનિકે આટલો મોટો જથ્થો કોને આપવાનો હતો તે બહાર આવ્યું નથી. 

Panchang

dd