માંડવી, તા. 16 : શહેરના આઝાદ ચોક વિસ્તાર પાસે
પાલિકા સંચાલિત મહિલા શૌચાલયની દુર્દશા આગળ કરીને જાગૃત નાગરિકોએ ત્વરિત ધાં સાંભળવાની
માગણી કરી છે. ઐસી-તૈસી કરી નાખનારા અસામાજિક
તત્ત્વો કોથળી ખાલી કર્યા પછી ત્યાં જ ફેંકી હોવાનાં દૃશ્યો તરફ આંગળી ચીંધી હતી. સ્વચ્છતા
જાળવણી અભિયાન સામે નકારાત્મક તત્ત્વોએ હીનતા
દાખવીને દેશી દારૂ ગટગટાવ્યા બાદ ગંધાતી કોથળીઓ પ્રવેશ માર્ગે ફેંકવાની હીનતા આચરતાં
વટેમાર્ગુઓ, રહેવાસીઓ કંટાળી ગયા હોવાનો
બળાપો સાંભળવા મળ્યો હતો. જાહેર મહિલા શૌચાલયની દુર્દશા -ગંદકીથી મહિલાઓ પરેશાન થઈ
ઉપયોગ કરવાનું ટાળી રહી છે. શહેરના ગીચ અને પ્રવાસી મહિલાઓ મુંઝવણ અનુભવી રહી હોવાની
રાડ સામે આવી હતી. નગરપાલિકા સંચાલિત મહિલા જાહેર શૌચાલયની હાલત આરોગ્ય અને પર્યાવરણ
વિષયક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નામ જાહેર ન કરવાની શરતે કેટલીક મહિલાઓના કહેવા
મુજબ, શૌચાલયની અંદર એટલી અસહ્ય દુર્ગંધ ફેલાયેલી છે કે,
નાક ઢાંકી કે મોઢા પર દુપટ્ટો બાંધીને પણ અંદર જવું મુશ્કેલ બન્યું છે,
ગંદકીના કારણે અનેક મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ જરૂરિયાત હોવા છતાં શૌચાલયનો
ઉપયોગ કર્યા વગર પરત ફરવાની ફરજ પાડે છે. સ્થાનિક મહિલાઓએ માંડવી નગરપાલિકા,
જવાબદાર અધિકારીઓ તેમજ વિસ્તારના જનપ્રતિનિધિઓને તાત્કાલિક કાર્યવાહી
કરીને શૌચાલયની સફાઈ, નિયમિત જાળવણી અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા
કરવાની માંગ કરી છે.