ભારત માટે મોંઘવારી એવો ગંભીર પડકાર બની રહ્યો છે, જે સામાન્ય નાગરિકનાં બજેટથી માંડીને દેશનાં
અર્થતંત્ર સુધી તમામને ખોરવી રહ્યો છે. જૂન મહિના દરમ્યાન છૂટક મોંઘવારીનો દર વધીને
4.38 ટકાએ પહોંચી ગયો છે. સતત છ
મહિનાથી મોંઘવારીના દરમાં વધારો નોંધાતો રહ્યો છે. આમ તો ભારતીય રિઝર્વ બેંક મોંઘવારીનો
દર બેથી છ ટકાની વચ્ચે રહે તેને સહ્ય માને છે, પણ સતત વધતો આ દર આવનારા ચિંતાજનક સમયના અમંગળ અંઁધાણ આપી જાય છે. વળી જાન્યુઆરી-202પ બાદ પ્રથમ વખત બન્યું છે
કે, મોંઘવારી ચાર ટકાના દરને પાર થઈ છે.સૌ કોઈ જાણે
અને સમજે છે કે, મોંઘવારીનો દર કાબૂમાં નહીં રહેતો તેનાથી ઊભા
થતા પડકારોનો ઓછાયો સંખ્યાબંધ ક્ષેત્રોમાં પડી શકે તેમ છે. મોંઘવારી માત્ર સામાન્ય
માનવીના જીવનની ઉપર અસર કરે છે એવું નથી, પણ દેશના આર્થિક વિકાસ
દર પર પણ અસર કરે છે. આવામાં સરકારે આ મામલે હવે તાકીદનાં પગલાં લેવાનો સમય પાકી ગયો
છે. મોંઘવારીનું મોટું કારણ ખાવાની વસ્તુઓના ભાવોમાં વધારો છે. બટેટા-ડુંગળીથી માંડીને ટમેટા જેવા રોજબરોજના શાકભાજીના
ભાવ સતત વધી રહ્યા છે. આ વસ્તુઓ દેશના તમામ પરિવારોના ભોજન સાથે જોડાયેલી છે. તેની
કિંમત ઊંચી થતાં તેનો બોજો મધ્યમ અને નીચલા વર્ગના પરિવારોના રોજબરોજના બજેટ પર પડી
રહ્યો છે. પશ્ચિમ એશિયામાં ફરી સ્ફોટક બનેલી સ્થિતિ અને ઈંધણના ભાવો પર સતત તોળાતી
અનિશ્ચિતતાને લીધે ક્રૂડ તેલના ભાવ ફરી વધી શકે છે. ભારતને તેના ઈંધણની જરૂરત માટે
આયાતનો આશરો લેવો પડી રહ્યો છે. આવામાં આ અનિવાર્ય વસ્તુના ભાવોમાં ભડકાથી દેશનું અર્થતંત્ર
ખોરવાતું રહે છે. આવામાં કુદરતને પણ પડકારને વધાર્યો છે. અલ નીનોની અસર તળે ચોમાસું
હજી સંતોષકારક રહ્યંy નથી. આ વખતે
ચોમાસું નબળું અથવા સમાન્ય કરતાં ઓછું રહે તો કૃષિ ઉત્પાદન પર અવળી અસર પડી શકે છે.
આમ થાય તો ખાવા પીવાની વસ્તુઓના ભાવોમાં ભડકો થશે. મોંઘવારીનો મોરચો ગંભીર બનશે તો
તેની અસર દેશની આર્થિક નીતિ પર પડશે. આરબીઆઈ પાસે રેપો દર વધારવા સીવાય બીજો કોઈ વિકલ્પ
બચશે નહીં. રેપો દર વધવાથી બેંકો પાસેથી ધિરાણ મેળવવાનું પણ મોંઘું બની જશે. આના પરિણામે
રોકાણ અને બજારની માંગ બંને પર અસર પડશે. ઉદ્યોગની
વિકાસની યોજનાઓ ધીમી પડશે પરિણામે રોજગારીની તકો પણ ઘટશે. સ્પષ્ટ છે કે, મોંઘવારીને નાથવાના કોઈ પણ પગલાંથી આર્થિક વિકાસની
ગતિમાં મદદરૂપ થઈ થશે. આ જ કારણ છે કે, આરબીઆઈની સામે મોંઘવારીના
દર અને વિકાસની વચ્ચે સંતુલન જાળવવાનો પડકાર મુશ્કેલ બની રહ્યો છે. મોંઘવારીને કાબૂમાં
રાખવા વ્યાજના દરો પર નિર્ભર રહી શકાય તેમ નથી સરકારે બજારની માંગ, ઉત્પાદન અને પુરવઠાની સ્થિતિ જાળવવા પર પણ ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. ભારતીય
અર્થતંત્રને વિકાસના માર્ગે આગળ વધારવા ભાવોને કાબૂમાં રાખવા ઉપરાંત ખાદ્ય અને ઊર્જાની
સલામતી પર સરકારે નક્કર નીતિ સાથે ધ્યાન આપવાની ખાસ જરૂરત છે.