પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીર વિસ્તારમાં લોકો કાશ્મીરી પાકિસ્તાની
સરકાર અને લશ્કરના વડા મુનીર સામે જંગે ચડયા છે અને પાકિસ્તાનથી અલગ થવાની માગણી કરી
રહ્યા છે, મુઝફરાબાદ ભણી કૂચ કરીને વિધાનસભા ઉપર હલ્લો
બોલાવવાની જાહેરાત કરી છે, ત્યારે મુનીરે મશીનગનો ગોઠવી છે,
એવામાં ભારતમાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા કાશ્મીરને
ભારતના એક રાજ્યનો દરજ્જો અને સત્તા ફરીથી આપવાની માગણી કરી રહ્યા છે! 20મી જુલાઈએ રાજધાની નવી દિલ્હીના જંતરમંતર
ખાતે વિશાળ પ્રદર્શન યોજવાની ધમકી આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર ઉપર દબાણ લાવવા માટે
નવો-અલગ રસ્તો અપનાવવાની ધમકી આપી છે અને વ્યંગમાં કહે છે કે, રાજ્યનો દરજ્જો અને ન્યાય મેળવવા માટે અમારે
શું ટ્રમ્પ પાસે જવું પડશે? કાશ્મીરને અલગ-વિશેષ સત્તા આપતી સંવિધાનની
કલમ 370 - રદબાતલ કરાવીને કેન્દ્રની મોદી
સરકારે સંવિધાન હેઠળ ભારતનું - એકસમાન અવિભાજ્ય અંગ બનાવ્યું છે અને રાજ્યનો દરજ્જો
આપવાની ખાતરી પણ આપી છે. અલબત્ત, `યોગ્ય સમયે' આ અંગે નિર્ણય લેવાશે એવી સ્પષ્ટતા પણ કરી છે.
મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા કહે છે - `યોગ્ય સમય' એટલે
શું? અમે બે વર્ષથી માગણી કરીએ છીએ. હવે અમારી ધીરજ ખૂટી છે.
પાકિસ્તાની કાશ્મીર વિસ્તારમાં સરકાર સામે બળવો થયો છે, પાકિસ્તાનથી
આઝાદ થવાનું આંદોલન - લડત ચાલે છે, ત્યારે ઓમર અબ્દુલ્લા શું
આ - અત્યારનો સમય `યોગ્ય' ગણે છે? ઓમર અબ્દુલ્લા
કહે છે કે, સ્થાનિક ભાજપના નેતાઓના દબાણથી કેન્દ્ર સરકાર નિર્ણયમાં
વિલંબ કરે છે, પણ ભાજપી નેતાઓ કહે છે કે, 2024ની ચૂંટણી વખતે આપેલા વચન
- રોજગારી અને વિકાસના વચનનું પાલન થયું નથી, તેથી ધ્યાન અન્યત્ર ખેંચવા માટે મુખ્યપ્રધાન રાજ્યના દરજ્જા માટે આંદોલન અને
અલગ રસ્તાની ધમકી આપી રહ્યા છે. એ સાથે તેમણે પોતાની સરકાર તોડી પાડવા માટે ભાજપ પર
ધારાસભ્યોની ખરીદીનો આક્ષેપ મૂક્યો છે. તેમણે સાથે એવુંય ઉમેર્યું કે, ભલે એક પણ ધારાસભ્યને ભાજપ તોડી શક્યો નથી, પણ આ આક્ષેપને
કારણે રાજકીય ઉહાપોહ જરૂર થયો છે. આવા આક્ષેપ કરીને ઓમર અબ્દુલ્લાએ ટકરાવની રાજનીતિ
અપનાવી હોવાની ધારણા પણ બંધાઇ છે, તો સાથે કેન્દ્ર પાસે રાજ્યનો
દરજ્જો ફરી મેળવવા માંગ કરતાં હવે તેઓ આક્રમકતાના માર્ગે હોવાનું અનુમાન લગાવી શકાય.
કાશ્મીરના વિપક્ષ પીડીપીનાં નેતા - પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ મુખ્યપ્રધાન
ઓમર ઉપર આક્ષેપ કર્યો છે કે, તે ચૂંટણી વચનો પાળ્યાં નથી એટલે
રાજ્યનો દરજ્જો મળ્યો નથી ! ઓમર અબ્દુલ્લા હવે આક્રમક બનીને કેન્દ્રને ધમકી આપી રહ્યા
છે કે, શું તમારે અહીં - (કાશ્મીર)માં આગ લગાડવી છે ?
નોંધપાત્ર બાબત એ છે કે, નેશનલ કોન્ફરન્સના સ્થાપક
શેખ મુહમ્મદ અબ્દુલ્લાનાં પત્ની બેગમ અકબર જહાં અબ્દુલ્લાની 26મી વરસીના દિને કબ્રસ્તાનમાં - એમની કબર
પાસે નેશનલ કોન્ફરન્સના સેંકડો કાર્યકરો એકઠા થયા હતા, ત્યાં ઓમર અબ્દુલ્લાએ રાજ્યનો દરજ્જો માગીને
કહ્યું છે કે, અમારી ધીરજને કમજોરી માનશો નહીં. હવે કેન્દ્ર સરકારે
કાશ્મીર ઉપર કડક નજર રાખવી જ પડશે.