નવી દિલ્હી, તા. 16 : જાણીતા પર્યાવરણવાદી
સોનમ વાંગચૂકની અનિશ્ચિત મુદ્દતની ભૂખહડતાળ ગુરુવારે 19મા દિવસમાં પ્રવેશી છે. તેમની સતત બગડતી
જતી તબિયતને લઈને દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે
કેન્દ્ર સરકારને કડક શબ્દોમાં નિર્દેશ આપ્યા છે કે,
સોનમ વાંગચૂકનો જીવ બચાવવા માટે જે પણ તબીબી સહાયની જરૂર હોય તે સરકાર
દ્વારા તાત્કાલિક પૂરી પાડવામાં આવે. અદાલતે
ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશના કોઈ પણ નાગરિકનો જીવ કિંમતી
છે અને તેને બચાવવા માટે સરકારી તંત્રે તમામ પ્રયાસો કરવા જોઈએ. બુધવારે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં
દાવો કરાયો હતો કે, 59 વર્ષીય સોનમ
વાંગચૂકનું વજન અત્યાર સુધીમાં 8.5 કિલો જેટલું
ઘટી ગયું છે. જો તેઓ આગામી 48 કલાકમાં ઉપવાસ
નહીં તોડે તો તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. અરજીમાં સરકાર પર આ ગંભીર પરિસ્થિતિ
પ્રત્યે સંવેદનહીન હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું
હતું કે, વાંગચૂકનું રોજ હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે,
પરંતુ તેમાં ક્યારેક સરકારી તો ક્યારેક પ્રાઈવેટ ડોક્ટરો હોય છે. આ સાંભળીને
હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, સોનમ વાંગચૂકને માત્ર અને માત્ર સરકારી ડોક્ટરો દ્વારા જ નિયમિત અને દૈનિક
મેડિકલ ચેકઅપ મળવું જોઈએ અને તેમના હેલ્થ રિપોર્ટ્સના આધારે જો દવા કે સારવારની જરૂર
હોય તો સરકારે તાત્કાલિક પગલાં લેવાં પડશે. હાઈકોર્ટના આદેશના થોડા કલાકો પહેલાં જ
સોનમ વાંગચૂકે સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે,
લાંબા ઉપવાસનાં કારણે શરીરમાં નબળાઈ અને સ્નાયુઓનો થાક જરૂર છે,
પરંતુ તેમનું હૃદય અને સ્વાસ્થ્ય હજુ પણ સામાન્ય છે. વરિષ્ઠ રાજનેતાઓની
અપીલ છતાં ઉપવાસ તોડવાનો ઈન્કાર કરતાં તેમણે કહ્યું કે, સરકારના
કોઈ જવાબ વગર જો તેઓ અત્યારે ઉપવાસ તોડશે તો સમાજમાં ખોટો સંદેશ જશે. તેમણે લોકોને
અપીલ કરી કે, માત્ર `ઉપવાસ તોડો' તેમ કહેવાને બદલે 20 જુલાઈએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા ઈઉંઙના પ્રદર્શનમાં
મોટી સંખ્યામાં હાજર રહે.