વિથોણ (તા. નખત્રાણા), તા. 16 : આષાઢી બીજે
વિથોણ ગામ ખેતાબાપાની ભક્તિમાં રંગાઇ ગયું હતું. બાપાની સમાધિએ 11 હજાર શ્રીફળ વધેરવામાં આવ્યા
હતા તેમજ 900 કિલો સુખડી (માતર)ની ચડતર કરાઇ
હતી. આ અવસરે ભાવિકોનું ઘોડાપૂર ઊમટયું હતું. વિથોણના આરાધ્યદેવ સમા ખેતાબાપા સંસ્થાન
ખાતે આષાઢી બીજની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી શ્રદ્ધાળુઓ સમાધિએ
માથું ટેકવવા કતારમાં ઊભા હતા. ખેતાબાપાના 419મા પાટોત્સવની પૂર્વ સંધ્યાએ રાત્રે પરિસરમાં મહારાસ યોજાયો
હતો. આજે સામૂહિક ચડતર બાદ વિવિધ ઉછામણી, નૂતન ધ્વજારોહણ, પાલખી યાત્રા, મહાઆરતી, બાપાનો મહાભોગ અને મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો
પરિસરમાં યોજાયા હતા. આ પ્રસંગે વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બપોર બાદ ગામની
નવોઢાઓ દ્વારા ખેતાબાપાના સમાધિ સ્થાને ચરણ પખાળવામાં આવ્યા હતા. સમાધિ સ્નાન બાદ બચેલા
શુદ્ધ પાણીના બેડા લઇને ગામમાં પરત આવી ગામના ચોકમાં 50 વર્ષથી વધુ ઉમરના વડીલોને પિતૃભાવે
પરંપરા મુજબ તેમના ઉપર જળ છંટકાવ કરીને 419 વર્ષની પરંપરા નિભાવી હતી. આષાઢી બીજ પર્વ અને 419મા પાટોત્સવનું આયોજન સંત ખેતાબાપા
સંસ્થાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું,
જેમાં યુવક તેમજ મહિલા મંડળનો સહયોગ સાંપડયો હતો. આષાઢી બીજના ભોજનના
દાતા જયેશભાઇ તેમજ જિજ્ઞેશભાઇ ભગત-ખારઘર (મુંબઇ) (કલ્યાણપર) રહ્યા હતા. પાટોત્સવ પ્રસંગે
અન્ય દાતાઓનું યોગદાન મળ્યું હતું. સંસ્થાનના પ્રમુખ શંકરભાઇ પદમાણી તેમજ મહામંત્રી
કાંતિભાઇ પદમાણી, દિલીપભાઇ, જગદીશભાઇ,
શાંતિલાલ નાયાણી, અમૃતભાઇ માનાણી, સંસ્થાના અન્ય હોદ્દેદારો, કારોબારી સભ્યોના માર્ગદર્શન
હેઠળ વિથોણ પાટીદાર યુવક મંડળના પ્રમુખ ધીરજભાઇ માનાણી, મહામંત્રી
દિલીપ વાલાણી અને મહિલા મંડળના હોદ્દેદારોએ આયોજનની વ્યવસ્થા સંભાળી હતી.આ પ્રસંગે
પરિસર બહાર એક દિવસીય મિની મેળાનું આયોજન કરાયું હતું તેમજ છ હજારથી વધુ ભાવિકે મહાપ્રસાદ
લીધો હતો, જ્યારે વિથોણ ગામે માથાદીઠ શ્રીફળ વધેરીને પરંપરા જીવંત
રાખી હતી. આયોજનને સફળ બનાવવા દાતાઓ અને સ્વયંસેવકોનો ખેતાબાપા સંસ્થાન સમિતિએ આભાર
માન્યો હતો.