ગાંધીધામ, તા. 16 : ગાંધીધામના
સુંદરપુરી પાણીના ટાંકા ઉપરથી દૂષિત પાણી અનેક વિસ્તારોમાં વિતરણ થયા બાદ હાહાકાર મચી
ગયો હતો, જેના પગલે પાણીના ટાંકામાં ક્યાંથી દૂષિત પાણી આવ્યું તેની તપાસ શરૂ કરાઈ
હતી, 15 દિવસ પછી લીકેજ મળ્યું છે અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. નેહરુ પાર્કના ખૂણે ગટર લાઈનનો પાઇપ નાખવામાં ગંભીર
બેદરકારી દાખવીને અહીંથી રેલવે તરફ જતી આંતરિક પાણીની લાઈનમાં જેસીબીથી નુકસાન પહોંચતાં
ત્યાંથી જ ગટરનું દૂષિત પાણી તે લાઈનમાં મિશ્રિત થયું હતું અને આ લાઈન રામબાગ પાણીના
ટાંકાથી સુંદરપુરી પાણીના ટાંકા સુધી આવતી મુખ્ય લાઈનમાં જોડાયેલી હતી, જેના પગલે સપ્લાય પૂર્ણ થયા પછી દૂષિત પાણી આંતરિક લાઈનમાંથી મુખ્ય લાઈનમાં
આવતું હતું અને તે રામબાગથી સપ્લાય સમયે સુંદરપુરીના પાણીના ટાંકામાં જતું હતું. પરિણામે
જ્યારે સુંદરપુરી પાણીના ટાંકાથી લીલાશાહ,
400 ક્વાર્ટર, અપનાનગર,12-સી સહિતના વિસ્તારોનાં ઘરના નળમાં દૂષિત
જળ પહોંચતું હતું. આ અંગે વ્યાપક ફરિયાદો ઊઠી હતી અને લોકોમાં આક્રોશ પછી તંત્ર હરકતમાં
આવ્યું હતું અને સુંદરપુરી પાણીના ટાંકાની મુખ્ય લાઈનમાં દૂષિત પાણી ક્યાંથી મિશ્રિત
થાય છે તેની તપાસ શરૂ કરી હતી અનેક જગ્યાએ પંચર પાડયા પછી અંતે નેહરુ પાર્કના ખૂણે
સુંદરપુરીના પાણીના ટાંકાની જે મુખ્ય લાઈનમાંથી આંતરિક લાઇન રેલવે તરફ જાય છે તેમાં
લીકેજ હોવાનું સામે આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ સહિતના પદાધિકારીઓ
ત્યાં પહોંચ્યા હતા અને કર્મચારીઓ પાસેથી લીકેજ દૂર કરાવ્યું હતું. સુપરવાઇઝરે વ્યાપક
મથામણ કર્યા બાદ આ લીકેજ મળ્યું હતું અને આંતરિક લાઇનનું જોડાણ બંધ કરીને મુખ્ય લાઈનની
મરંમત કરવામાં આવી છે અને હવેથી લોકોને ક્લોરીનયુક્ત પાણી મળશે તેવું તંત્ર કહી રહ્યું
છે.