દેશમાં આજકાલ ઈ-20 પેટ્રોલના ઉપયોગ અંગે ભારે ચર્ચા છે. 20 ટકા ઈથેનોલ ધરાવતા આ ઈ-20 પેટ્રોલથી વાહનોની એવરેજમાં
ઘટાડા અને અમુક ભાગોમાં ઘસારાની આશંકા વ્યક્ત કરતા અહેવાલોએ વાહનચાલકોમાં ભારે ચિંતા
જગાવી છે, તો સરકારે આ ઈંધણના ઉપયોગથી દેશને થતા ફાયદા
ગણાવીને પોતાનાં પગલાંનો બચાવ કર્યો છે. આ બધા વચ્ચે સરકારે વાહનચાલકોને નુકસાનીની
ભરપાઈ માટે ઈંધણના ભાવોમાં રાહતની અનિવાર્યતા તરફ ભાગ્યે જ કોઈએ ધ્યાન આપ્યું છે. ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનની એવરેજ ઘટતી હોવાનો
હવે સરકારે પોતે સ્વીકાર કર્યો છે. ઈ-20 પેટ્રોલના વપરાશથી એવરેજમાં
ત્રણથી પાંચ ટકાનો ઘટાડો થતો હોવાના સરકારના સ્વીકાર બાદ હવે આ અંગે જાગેલી આશંકા સત્તાવાર
રીતે સાચી ઠરી છે. જો કે, આ ઘટાડો સરકારના
સ્વીકાર કરતાં પણ વધુ હોવાનો મત વ્યક્ત થઈ રહ્યો છે. સરકારની દલીલ એવી છે કે, ઈ-20 પેટ્રોલના ફાયદા સંખ્યબંધ છે. વાહનના એન્જિનનું પરફોર્મન્સ સુધરે છે, તેની સાથોસાથ પ્રદૂષણ ઘટે છે અને ક્રૂડ તેલની
આયાતના બિલમાં નોધપાત્ર ઘટાડો થાય છે. ઉલ્લેખનીય છે કે, 2001માં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના
કાર્યક્રમનો આરંભ કરાયો હતો. 2022માં ભારતે
તેની નિયત સમયમર્યાદા કરતાં વહેલા દસ ટકા ઈથેનોલના મિશ્રણનાં લક્ષ્યને હાંસલ કરી લીધું હતું. હવે 202પમાં આ મિશ્રણ 20 ટકાએ પહોંચી ગયું છે. આ કાર્યક્રમ તળે સરકારે અત્યાર સુધી 1.97 લાખ કરોડના વિદેશી હૂંડિયામણની
બચત કરી છે. સાથોસાથ વાતાવરણમાં 9પ2 લાખ ટન કાર્બનડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટયું છે. આ ઉપરાંત ઈથોનોલની
ખરીદી પેટે ખેડૂતોને 1.66 લાખ કરોડ
રૂપિયાથી વધુનું ચૂકવણું થયું છે. આ કાર્યક્રમે ઊર્જા સલામતી, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામીણ આવક એમ ત્રિસ્તરીય
રીતે ફાયદો કરાવ્યો છે. આ ફાયદાની બાબત આવકાર્ય છે,
પણ હવે જ્યારે સરકારે વાહનની એવરેજ પર અસર પડતી હોવાનો સ્વીકાર કર્યો
છે, ત્યારે તેનો સરવાળે જે બોજો વાહનચાલકો પર આવી રહ્યો છે તેની
ગતણરી પણ ધ્યાને લેવાની જરૂરત છે. સરકારે
હવે એવરેજમાં ઘટાડાના બોજામાં વાહનચાલકોને રાહત મળે એવી ભાવ વ્યવસ્થા ગોઠવવા પર ધ્યાન
આપવાની ખાસ જરૂરત છે. એક તરફ સરકારે ખાડીની કટોકટીને લીધે ક્રૂડ તેલના ઉછાળાને સરભર
કરવા ઈંધણના ભાવો વધાર્યા છે ત્યારે હવે ક્રૂડના ભાવોમાં ઘટાડાનો લાભ વપરાશકારોને આપવામાં
વિલંબ થયો છે. આ ઉપરાંત ઈથેનોલના મિશ્રણના લાભનો ફાયદો પણ વપરાશકારોને મળતો નથી. સ્વદેશી
વપરાશકારોને ઈંધણના ઊંચા ભાવો અને ઓછી એવરેજ એમ બે બોજાને સહન કરવાની ફરજ પડી રહી છે. આવામાં ભાવોમાં રાહત આ બોજાને પહોંચી વળવામાં સામાન્ય
વપરાશકારો માટે અનિવાર્ય બની ગઈ છે. સરકારે
આ મામલે ત્વરિત લોકલક્ષી નિર્ણય લેવાની ખાસ જરૂરત છે.