• શુક્રવાર, 17 જુલાઈ, 2026

ગાંધીધામ જય જગન્નાથના નાદથી અનોખો માહોલ

ગાંધીધામ, તા. 16 : આષાઢી બીજ નિમિત્તે જય જગન્નાથ સેવા ટ્રસ્ટના ઉપક્રમે ભગવાન જગન્નાથની આસ્થાભેર રથયાત્રા નીકળી હતી. જય જગન્નાથના જયઘોષ સાથે મોટી સંખ્યામાં આસ્થાળુઓ ઉલ્લાસભેર જોડાયા હતા. ગળપાદરના વર્ધમાનનગર સ્થિત ભગવાન જગન્નાથ  મંદિરથી રથયાત્રાનો ભાવભેર આરંભ કરાયો હતો. શરૂઆતમાં ભગવાન જગન્નાથની વિશેષ પૂજા-અર્ચના કરાઈ હતી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા  ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર સહિતના અગ્રણીઓએ  શ્રીફળ વધેરી પૂજન કરી રથને ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રથયાત્રા ગળપાદર વર્ધનમાનનગરથી થઈ રોટરી સર્કલ, ઓસ્લો સર્કલ  થઈ ગાંધીમાર્કેટ, મુખ્યબજારથી રેલવે  કોલોનીએ  પહોંચી હતી. રથયાત્રાના વિવિધ સ્થળે સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઠેર-ઠેર પુષ્પવર્ષા સાથે રથયાત્રાના સ્વાગત સાથે સ્થાનિક અગ્રણીઓએ ભગવાન  જગન્નાથને  નતમસ્તક આશીર્વાદ મેળવ્યા હતા. મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા તથા  કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી મેઘવાળ  સમાજના પ્રમુખ  જીવરાજભાઈ ભાંભી તથા પ્રહલાદ ઠોટિયા, પુનશી દનીચા, જેઠાલાલ પાતારિયા, કરશન દનીચા, પ્રકાશ મારાજ, અશોક ઘેલા, હિરા ધુવા, કાનજી સુંઢા, વાલુબેન ધેડા, લક્ષ્મીબેન ધેડા, પુરબાઈ ડોરૂ સહિતનાએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. આ કર્તવ્ય ગ્રુપ  દ્વારા ઝંડાચોક ખાતે ભગવાન જગન્નાથ ઉપર પુષ્પવર્ષા કરાઈ હતી.રથયાત્રામાં ઓરીસા સંસ્કૃતિની ઝલક તથા પરંપરાગત વાદ્યના સૂરો વિગેરે બાબતોએ આકર્ષણ જમાવ્યુ હતું, તો બીજી બાજુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસતંત્રે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. આજથી  રેલવે કોલોની આવેલા શિવમંદિર સુધી  તા. 24/7 સુધી ભગવાનના દર્શનનો લાભ લઈ શકાશે તેમજ  દરરોજ વિશેષ પૂજન તથા આરતી  સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે તેમજ  તા. 24/7ના બાહુડા યાત્રા રેલવે કોલોની ખાતે નીકળીને   ગળપાદર જગન્નાથ મંદિર સુધી પહોંચશે. સમગ્ર આયોજનને સુપેરે પાર પાડવા માટે ટ્રસ્ટના   પદાધિકારીઓ વિગેરેએ સહકાર આપ્યો હતો. 

Panchang

dd