અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે 65મો જન્મદિવસ છે. એક સામાન્ય કાર્યકરથી લઈને મુખ્યમંત્રી પદ સુધીની
તેમની સફર નિષ્ઠા, સાદગી અને
જનસેવાના મૂલ્યોથી ભરેલી રહી છે. આજે જન્મદિવસના આ ખાસ દિવસે તેમને દેશભરમાંથી શુભેચ્છા
અવિરત મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ
મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને
તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરતા તેમને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ
કરવામાં મોખરે રહેનાર નેતા ગણાવ્યા છે. મુખ્યમંત્રી જન્મદિવસે પણ સામાન્ય રોજની જેમ
કામકાજમાં વ્યસ્ત રહ્યા હતા. આ પ્રતિભાવ બદલ ભૂપેન્દ્રભાઈએ વડાપ્રધાનનો આભાર માન્યો
હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ,
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને અન્ય પદાધિકારીઓની શુભેચ્છાઓનો
સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાત
હંમેશાં રાષ્ટ્રહિતની ભાવના સાથે આગળ વધતું રહેશે. મુખ્યમંત્રીએ પોતાના જન્મદિવસ અવસરે
વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન-અર્ચન કરીને દિવસના કાર્યોનો
પ્રારંભ કર્યો હતો. તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ દર્શન કરી
મહાપૂજામાં જોડાયા હતા. મંદિર ટ્રસ્ટના પૂજારીઓએ સોમનાથ મહાદેવનો રૂદ્રાભિષેક અને વિશેષ
પૂજન સંપન્ન કરાવ્યા હતા. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને એક વિશેષ
સંકલ્પ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સોમનાથ સ્વાભિમાન
પર્વ અંતર્ગત વિશેષ મહાપૂજા માટે નોંધણી કરાવી
હતી.