• શુક્રવાર, 17 જુલાઈ, 2026

ભક્તોનાં ઘોડાપૂર વચ્ચે અમદાવાદમાં રથયાત્રા સંપન્ન

અમદાવાદ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદના જમાલપુર ખાતે અષાઢ સુદ બીજના નીકળેલી 16 કિ.મી. લાંબી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા મોડી સાંજે નિર્વિઘ્ને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રના ત્રણેય રથ નગરચર્યાએથી નીજ મંદિરે પરત ફરતાં વહીવટી તંત્ર, પોલીસ, એજન્સીઓ, મંદિર વટીવટકર્તા અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરોઢે ચાર વાગ્યે ભગવાન જગન્નાથની પારંપરિક મંગળા આરતી યોજાઈ હતી. મંગળા આરતી વખતે ભક્તિભાવપૂર્વક માહોલ જોવા મળ્યો હતો અને ભગાવનની એક ઝલક મેળવવા કેટલાક ભક્તો રાતથી જ કતારમાં ઊભા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સંતો મહંતો તેમજ મોટાપાયે નાગરિકોએ મંગળા આરતીમાં હાજર રહીને દિવ્યતાનો અનુભવ કર્યો હતો. મંદિર પરિસરમાં ધાર્મિક મંત્રોચ્ચાર અને ભજન તેમજ આરતી સાથે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું. ત્યારબાદ ભગવાનને ખીચડીનો વિશિષ્ટ ભોગ ધરાવાયો હતો. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં રાસગરબા અને સાંસ્કૃતિ કાર્યક્રમની એકતરફ જમાવાટ જામી હતી. ત્યારબાદ પોણા છ આસપાસ ભગવાનને મંદિરના પ્રાંગણમાં ગોઠવવામાં આવેલા સુશોભિત રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાથે મળીને `પહિન્દવિધિ' કરી હતી. આ વખતે ઐતિહાસિક દૃશ્યો જોવા મળ્યા હતા, જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, બંનેએ સાથે મળીને સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરતા નજરે પડયા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રથને ખેંચીને પરંપરાગત રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સૌથી આગળ 18 જેટલા શણગારાયેલા ગજરાજ ચાલી રહ્યા હતા. ત્યારબાદ તેની પાછળ ટ્રક અને વિવિધ થીમ આધારિત ટેબ્લો જોડાયા હતા. ભજન મંડળીઓ અને અખાડાના કરતબબાજોએ રથયાત્રાની શોભા વધારી હતી. ગજરાજ અને ડીજે ટ્રક વચ્ચે ખાસ્સું અંતર જાળવવામાં આવ્યું હતું. ગત વર્ષે બાબુ નામનો હાથી વિફરતા રથયાત્રામાં અફરાતફરી મચી હતી. જેને પગલે આ વર્ષે ગજરાજની આસપાસ ડીજે અને માઈકનો ઘોંઘાટ કરવાનું ટાળવામાં આવ્યું હતું.  અમદાવાદના માર્ગો પર જય રણછોડ, માખણચોર અને જય જગન્નાથનો જયઘોષ ગૂંજી ઊઠયો હતો. આ ઉપરાંત આ વખતે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ, 30થી વધુ ડ્રોન, એન્ટી ડ્રોન ગન, બોડી વોર્ન કેમેરા અને સીસીટીવી સાથે રથયાત્રામાં હાઈટેક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.   ભક્તોનું ઘોડાપૂર ધીરે-ધીરે આગળ વધતું જોવા મળ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોમી એખલાસનો સંદેશો આપતા મુસ્લિમ બિરાદરોએ પણ મહંતને ફૂલહાર અર્પણ કરી રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર મંગળા આરતીનાં દર્શન કર્યાં : અમદાવાદમાં જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથજી મંદિરમાં રથયાત્રાના પર્વ પર પરંપરાગત રીતે મંગળા આરતીનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર મંગળા આરતીમાં હાજર રહ્યા હતા. - રથયાત્રામાં 30 હજાર પોલીસ જવાનનો લોખંડી બદોબસ્ત  : અમદાવાદની 149મી રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થઇ હતી. આ માટે પોલીસ વિભાગ દ્વારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર યાત્રાના રૂટ પર આશરે 30 હજાર જેટલા પોલીસ જવાન તૈનાત હતા. 10 જેટલા આઈજી અને ડીઆઈજી કક્ષાના અધિકારી, બે જેસીપી તેમજ 42 ડીસીપીએ મોરચો સંભાળ્યો હતો. - જનમેદનીમાં બે એમ્બ્યુલન્સ ફસાતાં પોલીસ, નાગરિકોએ રસ્તો કરી આપ્યો  : પાંચકૂવા સર્કલ પાસે રસ્તા પરથી હજારોની ભીડને તાબડતોબ હટાવીને બંને એમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે માર્ગ કરી આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. - હર્ષ સંઘવીએ ભંડારામાં પ્રસાદ સેવા આપી  : અમદાવાદની 149મી રથયાત્રા અનેક રીતે યાદગાર બની રહી હતી. આ વખત રથયાત્રામાં અઢીથી ત્રણ લાખ ભક્ત ઊમટયા હોવાનો અંદાજ છે. મોટી સંખ્યામાં આવેલા ભક્તો માટે ભોજન પ્રસાદની વિશેષ તૈયારી કરવામાં આવી હતી. ભોજનની તૈયારી વખતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભંડારામાં પૂરી તળીને પ્રસાદ સેવા આપી હતી. - અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 41 ઈમર્જન્સી કેસ  : અમદાવાદમાં ભારે ઉકળાટ વચ્ચે રથયાત્રા યોજાઈ હતી, જેમાં આરોગ્યલક્ષી 41 ઈમર્જન્સી કેસ નોંધાયા હતા. 108 એમ્બ્યુલન્સ સેવાઓ દ્વારા દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઈમર્જન્સી કેસોમાં સૌથી વધુ 15 કેસ ચક્કર આવવાના, શ્વાસ લેવામાં તકલીફ થવાના પાંચ કેસ, ભીડભાડમાં પડી જવાના ચાર કેસ, માર્ગ અકસ્માતના ત્રણ કેસ અને પેટના દુ:ખાવાના બે કેસ નોંધાયા હતા. - મુસ્લિમ આગેવાનોએ મહંત દિલીપદાસજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું  : ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન રંગીલા પોલીસ ચોકી પાસે કોમીએકતાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. અહીં મુસ્લિમ આગેવાનોએ મહંત દિલીપદાસજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સફેદ કબૂતર ઉડાડવામાં આવ્યા હતા, જે શાંતિ અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે.  - ગજરાજ પર સતત નજર રાખવા જાયરોસ્કોપ લગાવાયા  : ગત રથયાત્રામાંથી બોધપાઠ લેતાં આ વર્ષે ગજરાજ કોઈ મુશ્કેલી ઊભી ન કરે તે માટે તેમની 360 ડિગ્રી સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.  18 જેટલા ગજરાજના વર્તન પર નજર રાખવા અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અવાજની તીવ્રતા પાવા ડેસિબલ મીટર ઉપરાંત તેમના સંતુલનની ચકાસણી માટે ખાસ જાયરોસ્કોપ લગાવાયું હતું. 

Panchang

dd