ગાંધીધામ, તા. 16 : પાટણ માર્કેડયાર્ડની એ પેઢીમાંથી
ધ્રાંગધ્રાની મિલમાં મોકલવામાં આવેલ એરંડાના કિંમતી જથ્થાની ચોરીનો બનાવ બહાર આવ્યો
છે. વિશ્વાસઘાત, ચોરીના બનાવમાં ખુદ ટ્રકચાલક,
ક્લીનર, માલિકે ભેગા મળીને રૂા. 3.15 લાખના એરંડાની ચોરી કરી હતી.
ગાગોદર પોલીસે ક્લીનરને પકડી પાડી મોટો જથ્થો કબજે લીધો હતો. સિદ્ધપુરમાં રહેતા અને
પાટણ માર્કેટયાર્ડમાં કેશવ એગ્રી કોમોડિટીઝ નામે વેપાર કરતા 61 વર્ષીય મુકેશ જોઈતારામ પટેલે
આ બનાવ અંગે ગાગોદાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 13/7ના ધ્રાંગધ્રા રાજસીતાપુર ખાતે
આવેલી નીલકંઠ એગ્રો સોલવેક્સ પ્રા.લિ.ના ઘનશ્યાભાઈએ ફરિયાદીને ફોન કરી 321 બોરી એરંડા મગાવ્યા હતા. જેથી
ફરિયાદીએ શિવમ રોડલાઈન્સ ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રક નંબર જી.જે.-12 -એયુ - 7338 બંધાવી હતી. આ વાહનમાં 321 બોરી ભરાવી કાંટો કરાવી બિલ
બનાવી રવાના કરવામાં આવી હતી. ટ્રકચાલક ધના રબારી (રહે. અકરી), ક્લીનર સુલતાન સફીમામદ ભજાણિયા આ માલ લઈને નીકળ્યા
હતા. બીજા દિવસે માલ ન પહોંચતાં વેપારીએ તપાસ શરૂ કરી હતી. ટ્રાન્સપોર્ટ માલિક અનિલ
ઠક્કરે ટ્રકમાલિક સલીમ નોતિયાર સાથે વાત કરી વાહન માલવણ ચોકડીએ પહોંચ્યું છે અને બેટરી
બેસી ગઈ હોવાનું જણાવ્યું હતું. સાંજ સુધી વાહન ન પહોંચતાં ચાલક, ક્લીનરને ફોન કરાતાં બંધ આવ્યા હતા. ફરિયાદી વેપારીએ આ અંગે વધુ તપાસ કરતાં
ધના રબારી, સુલતાન ભજાણિયા, સલીમ નોતિયાર
કાવતરું ઘડી માલ બારોબાર ચિત્રોડ નજીક સીમ વિસ્તારમાં સગેવગે કરી રહ્યા હોવાનું બહાર
આવ્યું હતું. ગાગોદર પોલીસે સીમમાં છાપો મારી ક્લીનરને પકડી પાડયો હતો. 321માંથી 239 બોરી કબજે લેવાઈ હતી. જ્યારે
ટ્રકચાલક, માલિક તથા બોલેરો નંબર જી.જે.-08 - એડબલ્યુ - 9756નો ચાલક હાથમાં આવ્યા નહોતા.
ફરિયાદીએ કોર્ટમાંથી હુકમ બાદ 239 બારી છોડાવી
લીધી હતી. જ્યારે રૂા. 3,15,700ની
82 બોરી ચોરી જવાઈ હોવાનું બહાર
આવ્યું હતું. બનાવ અંગે ગાગોદર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.