• રવિવાર, 05 જુલાઈ, 2026

કચ્છમાં મહિને અઢી કરોડ વીજ યુનિટ વધ્યા

ભુજ, તા. 4 : મેઘરાજાનું હજુ કચ્છમાં આગમન થયું નથી ને સૂર્યનો તાપ વધતો જતાં ગરમીથી કચ્છીમાડુઓ તોબા પોકારતા જાય છે. આ વખતે ઉનાળામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો હોવાથી તેની સીધી અસર વીજળી વપરાશ ઉપર પડી રહી છે. આભમાંથી વરસતા અગનગોળાથી બચવા આમ આદમીએ ઘર કે ઓફિસો, દુકાનોમાં પંખા, એસી અને એરકૂલરનો ઉપયોગ વધારી દેતાં એક જ મહિનામાં સરેરાશ 2.40 કરોડ વીજ યુનિટમાં વધારો થયો હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આકરા તાપથી બચવા સ્વાભાવિકે નાગરિકો ઠંડી મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. કચ્છમાં ભુજ અને અંજાર એમ બે પીજીવીસીએલના સર્કલ આવેલા છે. આ બંને સર્કલ હેઠળ અંદાજે 6.50 લાખ વીજ ગ્રાહક સૌથી પહેલાં ગરમીને રોકવા વીજ ઉપકરણોનો ઉપયોગ કરતા હોય છે. - ગરમી વધી : ઉષ્ણતામાનના આંકડા જોઈએ, તો પારો નીચે ઊતરતો જ નથી, મે-જૂન મહિનામાં તો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો અને વધીને 45 ડિગ્રીએ અડતા લોકોના મોઢામાંથી હાય રે ગરમીના શબ્દો નીકળતા હતા. - વપરાશ વધ્યો : એક સમય હતો રાત પડી ને ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતી અને અંધારપટ સર્જાઈ જતો હતો, પરંતુ જ્યોતિ ગ્રામ યોજના અમલમાં આવ્યા પછી 24 કલાક વીજળીની સવલત મળતાં હવે ગામડા હોય કે શહેરોમાં અગાઉ કરતા વીજ પુરવઠો જળવાઈ રહેતો હોવાથી વપરાશની માંગ ખૂબ જ વધી ગઈ છે. - સોલારથી એસી વધ્યાં : સરકાર દ્વારા સૌરઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી સોલાર પ્લેટ લગાડવા ખાસ સબસીડી ચૂકવાય છે ને વીજબિલ મોટા ભાગે ઝીરો થઈ જતાં હવે ઘરોઘર સોલાર લાગતાં જાય છે, જેના કારણે સામાન્ય કે મધ્યમ પરિવારો પણ પોતાના ઘરોમાં વાતાનુકુલીત સગવડ ઊભી કરતા થતાં કચ્છમાં વીજ યુનિટનો જબરો ઉછાળો આવ્યો છે. એસીના વધતા ઉપયોગના કારણે કચ્છમાં રીતસર ખબર પડે છે કે, ગરમીનું પ્રમાણ વધારે છે. - અઢી કરોડ યુનિટ વધ્યા : પી.જી.વી.એસ.એલ. ભુજ સર્કલના વડા જે.સી. ગોસ્વામી અને અંજાર સર્કલના સત્તાવાર અધિકારીઓનો સંપર્ક સાધતાં જાણવા મળ્યું કે, મે મહિનામાં અઢી કરોડ યુનિટમાં વધારો થયો છે. ભુજની વાત કરીએ તો મે-2025માં 77.50 કરોડ વીજ યુનિટની ખપત થઈ હતી, તો મે-2026માં એક જ વર્ષમાં 87 કરોડ વીજ યુનિટ વપરાશ થયો હોવાનું ચોપડે ચડયું છે. એવી જ રીતે અંજારમાં આવી જ સ્થિતિ છે. ચાલુ વર્ષે અંજાર સર્કલ હેઠળના સબ સ્ટેશનમાં આવતા વીજ ગ્રાહકોએ એપ્રિલમાં 72 કરોડ યુનિટ વીજળી વાપરી અને મે મહિનામાં 85.55 કરોડ વીજ યુનિટનો ઉપયોગ કર્યો હતો. વીજળી વપરાશ વધે છે ત્યારે બંને સર્કલની આવકમાં પણ મોટો વધારો થયો હતો. મહિનાની 800 કરોડની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ હતી. 

Panchang

dd