• રવિવાર, 05 જુલાઈ, 2026

પાઠયપુસ્તકમાં આતંકીઓ `મહાન' વ્યક્તિ !

જમ્મુ, તા. 4 : જમ્મુ અને કાશ્મીરમાં સરકારી શાળાના પુસ્તકાલયોમાં ઉપલબ્ધ એક પુસ્તકને લઈને વિવાદ ફાટી નીકળ્યો છે. પુસ્તકમાં આતંકવાદીઓ અને અલગતાવાદી નેતાઓને `મહાન વ્યક્તિ'ઓ તરીકે વર્ણવવામાં આવ્યા છે. ભાજપે આ માટે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપના એક નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાએ તેને ગંભીર ગુનો ગણાવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, પુસ્તકનું શીર્ષક `ગ્રેટ પર્સનાલિટીઝ એન્ડ લેજેન્ડ્સ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર' છે. પુસ્તકમાં આતંકવાદી મકબૂલ ભટ્ટને `શહીદ' તરીકે વર્ણવવામાં આવ્યા છે અને હાફિઝ સઈદને એક મહાન વ્યક્તિ તરીકે દર્શાવવાનો દાવો કરવામાં આવ્યો છે. દરમિયાન, અલગતાવાદી નેતાઓ સૈયદ અલી શાહ ગિલાની, મસરત આલમ, શબ્બીર અહેમદ શાહ અને મૌલવી ફારૂકને કાશ્મીરના `સ્વતંત્રતા સેનાની' તરીકે વર્ણવવામાં આવ્યા છે.  આ અંગે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુનીલ શર્માએ કહ્યું કે, આ પુસ્તકો જમ્મુ અને કાશ્મીરની ઘણી શાળાઓની લાઇબ્રેરીઓમાં વહેંચવામાં આવ્યા છે. આ એક ગંભીર ગુનો છે. એક પુસ્તક જે 2008ના ` મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદની પ્રશંસા કરે છે, એક પુસ્તક જે આ વિસ્તારને `ભારત અધિકૃત કાશ્મીર' તરીકે વર્ણવે છે. આવું પુસ્તક વાંધાજનક અને વિવાદાસ્પદ છે. તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઇએ. તેમણે વધુમાં કહ્યું કેલેખક, પ્રકાશક, નિષ્ણાત સમિતિ અને હું ભારપૂર્વક કહેવા માગુ છું, શિક્ષણ પ્રધાનને પણ જવાબદાર ઠેરવવા જોઈએ. શિક્ષણ પ્રધાનને તાત્કાલિક તેમના પદ પરથી દૂર કરવાની સરકારના વડાની ફરજ છે.  પુસ્તકમાં મકબૂલ ભટ્ટ પર એક આખું પ્રકરણ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેણે કાશ્મીરની સ્વતંત્રતા માટે બલિદાન આપ્યું હતું. સીઆઇડી ઇન્સ્પેક્ટર અને ભારતીય રાજદ્વારીની હત્યા કેસમાં દોષિત જાહેર થયા બાદ મકબૂલ ભટ્ટને ફેબ્રુઆરી 1984માં ફાંસી આપવામાં આવી હતી. આ ઘટના બાદ, સરકારે પુસ્તકના પ્રકાશન, ખરીદી અને વિતરણ માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. 

Panchang

dd