ભુજ, તા. 4 : નવ લાખ રૂપિયા મેળવી પરત ન
આપી તેમજ વ્યાજખોરીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી
કર્યાની ફરિયાદ આમ આદમી પાર્ટી કચ્છ ઝોનના પ્રમુખ સંજય શાંતિલાલ બાપટ (રહે. મુંદરા)
સામે તેની જ પાર્ટીના જિલ્લા મહિલા પ્રમુખ કાંતાબેન શશીકાંતભાઇ પટેલ (રહે. ભુજ)એ નોંધાવી
છે. આજે એ-ડિવિઝન પોલીસ મથકે કાંતાબેને નોંધાવેલી ફરિયાદ મુજબ બંને આમ આદમી પાર્ટીના
હોવાથી વિવિધ કાર્યક્રમોને લઇ મુલાકાત થતી હતી અને એક વખત આરોપી સંજય બાપટે તેમની પાસેથી
પાંચ લાખ ઉધાર લીધેલા ને પરત આપી દીધા હતા. આથી વિશ્વાસ સ્થાપિત થયો હતો. આ બાદ એક
વર્ષ માટે નવ લાખની માગણી કરતાં ફરિયાદીએ તેમને આપ્યા હતા અને ત્રણ ચેક આપ્યા હતા.
ફરિયાદીએ નાણાં પરત માગતા આરોપીએ કહ્યું કે, હું ક્યાંય તમારા નાણાં લઇને ભાગી જવાનો નથી. આપી દઇશ. આ આરોપી સંજયે તેના
મિત્ર રજાકભાઇ ઓસમાણ કુંભાર મારફત મુંદરા પોલીસ મથકમાં ફરિયાદી વિરુદ્ધ ઊંચાં વ્યાજે
રૂપિયા આપ્યાની ખોટી આક્ષેપિત અરજી કરતાં ફરિયાદીએ
મુંદરા પોલીસને પોતાનું નિવેદન આપ્યું હતું. જે યોગ્ય લાગતાં અરજી ફાઇલ કરી હતી. પાર્ટીના
પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ કાયનાતબેન અન્સારીની ધરપકડ થતાં ગત તા. 10-3-26ના ગળપાદર જેલ ખાતે ફરિયાદી
તેને મળવા ગયા હતા, જ્યાં આરોપી
સંજય મળતાં તેને નવ લાખ પરત આપવા જણાવતાં સંજયે ફરિયાદીને ધમકી આપી કે, તું રૂપિયા માગીશ તો રજાક પાસે જેમ અરજી કરાવી તેમ તારી વિરુદ્ધ ઊંચા વ્યાજદર
લઇ રૂપિયા આપે છે તેવી ફરિયાદ કરી ફિટ કરાવી
દઇશ. પોલીસે વિવિધ કલમો તળે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.