• રવિવાર, 05 જુલાઈ, 2026

`સેમિકન્ડક્ટર ક્રાંતિમાં ગુજરાતની ચાવીરૂપ ભૂમિકા'

અમદાવાદ, તા. 4 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, જેમાં સાણંદ ખાતે સેમિકન્ડક્ટરની હેટ્રિક સર્જાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂા. 7,600 કરોડનાં રોકાણ સાથેના સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઘજઅઝ) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ ગુજરાતમાં ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ પીએમના હસ્તે થયો હતો. ભારત, જાપાન અને થાઈલેન્ડની કંપનીઓના સંયુક્ત સાહસના પીએમ મોદીએ વખાણ કર્યા હતા. સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ મહત્ત્વનું પગલું પુરવાર થશે. આ સાથે જ સાણંદ, ધોલેરા સહિતનાં ક્ષેત્રોમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનાં આગમનથી આગામી સમયમાં આ વિસ્તાર ભારતની સિલિકોન વેલી બનશે, તેમ વડાપ્રધાને જણાવ્યું હતું. દેશમાં સેમિકન્ડક્ટર ક્રાંતિમાં ગુજરાતની ભૂમિકા આગામી સમયમાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. ગુજરાત વૈશ્વિક સેમિકન્ડક્ટરના નક્શામાં ઝળહળશે તેવી આશા પણ વડાપ્રધાને વ્યક્ત કરી હતી. ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ માન્યતાપ્રાપ્ત 12 એકમ પૈકી આ ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયો છે. આ સાથે જ ચિપ પેકાજિંગનું વ્યાવસાયિક ઉત્પાદન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું અને વિવિધ સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવી. આ ઉપરાંત પ્લાન્ટમાં એન્જિનીયરો સાથે પણ તેમણે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત અનેક મહાનુભાવો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભારત ઝડપથી વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થઈ રહેલું રોકાણ અને આધુનિક ઉત્પાદન સુવિધાઓ દેશના ટેક્નોલોજી આધારિત વિકાસને નવી ગતિ આપશે અને આવનારો દાયકો ભારત માટે ટેક્નોલોજી ક્રાંતિનો મહત્ત્વપૂર્ણ સમયગાળો સાબિત થશે. વડાપ્રધાને આ લોન્ચિંગને દેશના તેનાં લક્ષ્યો પ્રત્યેના અતૂટ સંકલ્પના પુરાવા તરીકે ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત જે નક્કી કરે છે તે કરી બતાવે છે. ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. અમે ડિઝાઇન ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના પાયાના મંત્ર સાથે સફળતાપૂર્વક આગળ વધ્યા છીએ. પીએમ મોદીએ જણાવ્યું કે, ગુજરાતના સાણંદ ખાતે સેમિકન્ડક્ટર એકમોમાં ઉત્પાદન શરૂ થતાં સ્થાનિક સ્તરે મજબૂત ઇકોસિસ્ટમ રચાશે. માઇક્રોન, કેઇન્સ અને સીજી સેમી જેવી અગ્રણી કંપનીઓએ માત્ર થોડા મહિનામાં આ પ્રદેશમાં એકસાથે ઉત્પાદન શરૂ કર્યું છે.  

Panchang

dd