ગાંધીધામ, તા. 4 : અહીંના ખારીરોહર સીમ, શાંતિલાલ ગોદામ વિસ્તારમાં ગટરનાં નાળાંમાંથી
25થી 30 વર્ષીય અજાણ્યા યુવાનની શંકાસ્પદ હાલતમાં કોહવાઈ ગયેલી લાશ મળી
આવી હતી. યુવાનનું મોત કેવા કારણોસર થયું હશે તે માટે લાશને પી.એમ. માટે જામનગર મોકલવા
તજવીજ હાથ ધરવામાં આવી હતી. ખારીરોહર સીમમાં શાંતિલાલ ગોદામ વિસ્તારમાં એસ.કે. ગોદામ
સામે આવેલાં ગટરનાં નાળાંમાંથી યુવાનની લાશ મળી આવી હતી. કોથળામાં વીંટાળેલી 25થી 30 વર્ષીય યુવાનની લાશ કોહવાઈ ગઈ હતી. તેણે શરીરે કાળા રંગનો લાંબી
બાંયનો શર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેર્યું હતું. જમણા હાથના કાંડા પાસે ગુજરાતીમાં
મા તથા અંગ્રેજીમાં એ.એ. અને દિલનું ટેટૂ ત્રોફાવેલ છે તથા હાથમાં બીજી બાજુ કાંડા
પાસે નાઝ જેની નીચે અંગ્રેજીમાં મોમનું ટેટૂ ત્રોફાવેલ છે. બાજુમાં અંગ્રેજીમાં જે
ત્રોફાવેલ છે. જમણા હાથના અંગૂઠા પાસે મા ત્રોફાવેલ છે તથા ગળાંમાં કાળા રંગના પારાની
કંઠી પહેરી છે. ડાબા હાથના કાંડાના ભાગે અંગ્રેજીમાં બીઈંગ હ્યુમન લખેલ ફ્રેન્ડશિપ
બેલ્ટ પહેરેલું છે અને અંગૂઠામાં સફેદ ધાતુની રિંગ પહેરી છે. આ શંકાસ્પદ મોતના પ્રકરણમાં
યુવાન કોણ છે ? તેના પરિવારજનો કોણ છે
તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે તથા તેનું મોત ખરેખર કેવા કારણોસર થયું હશે તે માટે
લાશને પી.એમ. અર્થે જામનગર લઈ જવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. યુવાનની કોથળામાં બાંધેલી
લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી.