• રવિવાર, 05 જુલાઈ, 2026

માંડવીના દરિયાકાંઠે મરીન ટાસ્કફોર્સની સઘન તપાસ

કોડાય, તા. 4 : રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્કફોર્સ દ્વારા માંડવીના દરિયાકાંઠે વિશેષ કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. મરીન ટાસ્કફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, ડીઆઈજીપી એ.એમ. મુનિયા તથા એસ.પી. એસ.જે. પરમારનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના દરિયાકાંઠે સઘન ચાકિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને માંડવી સેક્ટર મરીન ટાસ્કફોર્સ દ્વારા ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ કુતળી બંદરથી વેસ્ટ પોર્ટ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મરીન કમાન્ડોની ટીમે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રાલિંગ અને ચાકિંગ હાથ ધરી શંકાસ્પદ હિલચાલ પર બારીક નજર રાખી હતી. ડ્રાઇવ દરમિયાન દરિયાકાંઠાનાં વિવિધ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત સ્થાનિક માછીમારો સાથે સંવાદ કરી તેમને દરિયામાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ, અજાણી બોટ અથવા ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરફેર અંગે જાણ થાય તો તાત્કાલિક પોલીસ અથવા મરીન ટાસ્કફોર્સને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધુ સઘન બનાવવા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા અને દરિયાઈ સરહદને સુરક્ષિત રાખવા માટે આવી વિશેષ કોમ્બિંગ ડ્રાઇવ અને સઘન ચાકિંગની કામગીરી આગામી સમયમાં પણ નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે. 

Panchang

dd