ભુજ, તા. 15 : વરસાદ દસ્તક દઇ રહ્યો
છે, પણ ભુજમાં અનેક વરસાદી નાળાંની સફાઇ
હજુ બાકી હોવાથી નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને પાણી ભરાવાની સમસ્યા અત્યારથી સતાવી
રહી છે. ખાસ કરીને ભુજના સંજોગનગર, ખારીનદી વિસ્તાર, ભારતનગર સહિતના વિસ્તારો આ બાબતે ચિંતિત બન્યા છે. ભુજમાં દર વર્ષે ચોમાસાંની
આગોતરી તૈયારીના ભાગરૂપે એપ્રિલમાં જ વરસાદી વહેણ સફાઇનો કોન્ટ્રક્ટ અપાઇ જતો હોય છે
અને નાળાં સફાઇનું કામ જૂન સુધી પૂર્ણતાએ પહોંચી જતું હોય છે, પરંતુ આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ત્યારબાદ પદાધિકારીઓના પદગ્રહણ
સહિતની પ્રક્રિયાને પગલે મે માસના અંતે નગરપાલિકા દ્વારા નાળાં સફાઇ કામનો કોન્ટ્રાકટ
સોંપાયો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજમાં નાનાં-મોટાં મળી કુલ
80થી વધારે નાળાં આવેલાં છે અને પ્રિ-મોન્સૂન કામગીરી
સિવાય વર્ષ આખામાં ક્યારેય સાફ થતાં નથી,
જેથી બાવળની ઝાડીઓ, ગટરનાં પાણી અને કચરાના ગંજથી
આ નાળાં છલોછલ હોય છે. વરસાદ નજીક આવી ગયો છે. જો કે, નાળાં સફાઇની
કામગીરી શરૂ તો થઇ છે, પણ તે ઝડપભેર પૂર્ણ કરવી પડશે,
નહીં તો પાણી અવરોધાશે અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાશે અને લોકોને મોટી
નુકસાની સહન કરવી પડશે તેવું જાગૃતો કહી રહ્યા છે. અહીં એ પણ નોંધનીય છે કે,
ગત વર્ષની તુલનાએ અડધાથી પણ ઓછી રકમથી નાળાં સફાઇનું ટેન્ડર અપાયું છે.
સુધરાઇના શાસકોએ ઓછા ખર્ચે જ ટેન્ડર આપી કામ સોંપ્યું છે, જે
સારી બાબત છે, પણ સફાઇ યોગ્ય રીતે થાય તે જરૂરી છે. ભુજમાં ખાસ
કરીને નીચાણવાળા વિસ્તારો કે જ્યાંથી આખા શહેરના તેમજ હમીરસર તળાવ ઓગન્યા બાદ વધારાનાં
પાણીના નિકાલ માટે વહેણ છે તેવા સંજોગનગર, ભારતનગર, ખારીનદી માર્ગ સહિતના વોર્ડ નં. એક-બેના વિસ્તારોમાં વહેલાસર નાળાં સફાઇ કરાય
તો ચોમાસાં દરમ્યાન જોખમ ઘટાડી શકાય. આ સિવાય
પણ શહેરના હમીરસર તળાવને ભરવા માટેના વરસાદી વહેણની પણ સફાઇ જરૂરી હોવાનું જાગૃતો ચિંતા
સાથે જણાવી રહ્યા છે. નગરપાલિકાના પદાધિકારીઓની સાથોસાથ પાણી ભરાય છે તેવા વિસ્તારના
નગરસેવકો અને તેમની સાથે રહેવાસીઓ પણ વહેણની સફાઇ યોગ્ય રીતે થાય તે માટે જાગૃત રહે,
જેથી વરસાદ સમયે મુશ્કેલી ઘટાડી શકાય. ભુજનાં તમામ નાળાંની યોગ્ય અને સત્વરે સફાઇ થાય
તે માટે નગરપાલિકાના પદાધિકારીઓ દેખરેખ રાખે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.