ભુજ, તા. 1પ : કચ્છમાં વસ્તીગણતરીના પ્રથમ તબક્કાનો ધમધમાટ
આગળ ધપી રહ્યો છે. 30 જૂન સુધી ચાલનારી ઘરયાદી તૈયાર કરવા અને મકાનોની
ગણતરી કરવાનું કાર્ય જિલ્લાના પ8 બ્લોકમાં પૂર્ણ થઈ ગયું છે, જ્યારે પ13 બ્લોક એવા છે કે, જેમાં
આ કામગીરી હજુ શરૂ થવાની જ બાકી છે. કચ્છમાં 3,066 બ્લોકમાં
વસ્તીગણતરીની પ્રથમ તબક્કાની કામગીરી હાથ ધરાવાની છે. સત્તાવાર સૂત્રો પાસેથી
જાણવા મળેલી વિગત અનુસાર રાજ્યની સાથે કચ્છમાં પણ ડિજિટલ ફોર્મેટથી હાથ ધરાયેલી
વસ્તીગણતરીના પ્રથમ તબક્કાની કામગીરીમાં કામગીરી કરનાર ગણતરીદારો આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાનાં પાણીના સ્રોત, શૌચાલયની સુવિધા સહિતના 33 અલગ -અલગ પ્રશ્નો પૂછી રહ્યા
છે. આ આખીય કામગીરી બ્લોક પાડી કરવામાં આવી રહી છે. કચ્છમાં 3,066 બ્લોક
પાડવામાં આવ્યા છે. એટલે કે, 3,066 ગણતરીદારો આ કામગીરીમાં જોડાઈ
પોતાની ફરજ બજાવી રહ્યા છે. કચ્છની આંકડાકીય વિગત જોઈએ તો 3,066 પૈકી
2,પપ3 બ્લોકમાં
આ કામગીરી પ્રગતિ હેઠળ છે. પ8 બ્લોક એવા છે કે, જેમાં
પ્રથમ ચરણનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. પ13 બ્લોકમાં હજુ કાર્ય શરૂ
થવાનું બાકી છે એ બાબતે તંત્રવાહકોએ જણાવ્યું કે, કેટલાક
ગણતરીદારોને એક કરતાં વધુ બ્લોકમાં કામગીરી સોંપવામાં આવી હોવાથી તેઓ એક બ્લોકનું
કાર્ય પૂર્ણ કરે તે પછી બીજો બ્લોક હાથમાં લેવાના હોવાથી કાર્ય શરૂ થયું નથી. વસ્તીગણતરીના
પ્રથમ તબક્કાનું કાર્ય 30 જૂન સુધી ચાલવાનું છે. એટલે કે, આ કાર્ય પૂર્ણ કરવા માટે હવે રાત થોડી ને વેશ ઝાઝા જેવી સ્થિતિ જોવા મળી
રહી છે. વસ્તીગણતરીનાં આ પ્રથમ ચરણમાં ઘર અને મકાનની ગણતરી હાથ ધરવા સાથે જે લોકોએ
સ્વગણતરી પોર્ટલમાં વિગત ભરી છે તેની પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. જો કે,
કચ્છમાં સ્વગણતરીની ડિજિટલ પહેલને કચ્છમાં મોળો પ્રતિસાદ સાંપડયો
હતો. માત્ર નવ હજાર લોકોએ જ સ્વગણતરી પોર્ટલમાં પોતાની વિગત ભરી હતી. ઉલ્લેખનીય છે
કે, વસ્તીગણતરીનો બીજો અને મુખ્ય તબક્કો 9થી
28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન
હાથ ધરાવાનો છે.