ગાંધીધામ, તા. 15 : રેલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય
રેલવેએ કવચ સિસ્ટમ અમલી કરાવી છે. હાલ અમદાવાદ ડિવિઝનના કચ્છના પ્રવેશદ્વાર
સહિતનાં સેક્શનમાં કામ ચાલી રહ્યું છે, પરંતુ હવે
સમગ્ર અમદાવાદ ડિવિઝનને કવચની સુરક્ષા આપવામાં આવશે. આ અંતર્ગત રેલવે દ્વારા માતબર
રકમની ફાળવણી કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં કવચ સંસ્કરણ 4.0ના
વિસ્તરણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મંડળના 598 રૂટ
કિલોમીટરમાં ફેલાયેલા 48 બ્લોક સેક્શનમાં કવચ સ્થાપિત કરવામાં આવશે. આ
કાર્ય માટે 140 કરોડની
મંજૂરી આપવામાં આવી છે. ભારતીય રેલવેના બાકીના માર્ગો પર એલટીઈ આધારિત સંચાર
નેટવર્ક સાથે કવચ પ્રણાલી ઉપલબ્ધ કરાવવાના વ્યાપક કાર્યક્રમ અંતર્ગત મંજૂર કરવામાં
આવી છે. મંડળ રેલ પ્રબંધક અમદાવાદ - વેદપ્રકાશે માહિતી આપતાં જણાવ્યું કે, અગાઉ અમદાવાદ મંડળના આશરે 702 રૂટ કિલોમીટર પર કવચકાર્યને
પહેલેથી જ મંજૂરી આપવામાં આવી ચૂકી છે, જેમાં
સામખિયાળીથી વિરમગામ અને સામખિયાળી - પાલન5yર સેકશનની કામગીરી માટે
ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરી દેવાઈ છે. વર્તમાન પ્રોજેક્ટની મંજૂરી સાથે મંડળના
બાકીના રેલખંડો પણ કવચ પ્રણાલીના દાયરામાં આવી જશે. અમદાવાદ મંડળનું સમગ્ર નેટવર્ક
કુલ 1,300 રૂટ
કિલોમીટર સુધીનો એરિયા સુરક્ષાથી સજ્જ બની
જશે. ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી અત્યાધુનિક અને સ્વદેશી ઓટોમેટિક
ટ્રેન પ્રોટેક્શન પ્રણાલી છે, જેનો મુખ્ય હેતુ રેલ
સંચાલનને વધુ સુરક્ષિત બનાવવાનો છે. ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ
પ્રાથમિકતા આપતાં પોતાના સમગ્ર નેટવર્ક પર કવચ પ્રણાલીનો તબક્કાવાર વિસ્તાર કરી
રહી છે. અમદાવાદ મંડળમાં કવચના સંપૂર્ણ અમલીકરણથી સુરક્ષિત, આધુનિક
અને આત્મનિર્ભર રેલવે વ્યવસ્થાના નિર્માણ તરફનું એક મહત્ત્વપૂર્ણ સોપાન સાબિત થશે.
આ પહેલ માત્ર મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે, એટલું જ
નહીં, પરંતુ ભારતીય રેલવેના ટેક્નોલોજિકલ આધુનિકીકરણની
દિશામાં પણ મહત્ત્વપૂર્ણ સીમાચીહ્ન સાબિત થશે. આ અંતર્ગત કચ્છનો નલિયાથી સામખિયાળી
સુધીનો વિસ્તાર આ નવી ટેક્નોલોજીથી સજ્જ થશે.