• મંગળવાર, 16 જૂન, 2026

માધાપરમાં બટુકભોજન બાદ 22 બાળકોની તબિયત લથડી

ભુજ, તા. 15 : ગઈકાલે સાંજે માધાપરમાં આયોજિત બટુકભોજન બાદ અડધી રાતે બાળકોની તબિયત લથડતાં વાલીઓ સારવાર અર્થે દોડતા થયા હતા. દરમ્યાન આ ઘટનાને લઈને ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ખાદ્ય પદાર્થના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાવ્યા છે. આ દોડધામના બનાવ અંગે જી.કે. જનરલ હોસ્પિટલમાં જાહેર થયેલી એમએલસી અને સંબંધિતો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે માધાપરના ઐશ્વર્યાનગરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે બટુકભોજનનું આયોજન થયું હતું. સેવ, બુંદી, છાશ અને દાળ-ભાત જમ્યા બાદ બાળકો ઘરે પહોંચતાં રાતે તબિયત લથડવાનું શરૂ થયું હતું. એકાએક ઊલટી અને ઉબકા આવવાના ચાલુ થઈ ગયા હતા. આજુ-બાજુ રહેતા તમામ બાળકોની આવી વાત સામે આવતાં વાલીઓ ચિંતામાં મુકાયા હતા અને રાતે એક વાગ્યે તાત્કાલિક 22 બાળક (ત્રણથી તેર વર્ષની ઉંમર)ને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવી દાખલ કરાવાયાં હતાં. અન્ય બાળકોને ખાનગી હોસ્પિટલે પણ લઈ જવાયાની વિગતો સૂત્રો પાસેથી મળી છે. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં 22 બાળક (રહે. તમામ ઐશ્વર્યાનગર માધાપર)ને સારવાર અર્થે દાખલ કરાયા છે. તેઓની તબિયત સ્થિર હોવાની વિગતો મળી છે. બીજી તરફ આ ફૂડ પોઈઝનિંગની ઘટના સંદર્ભે ભુજના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ભોજનના નમૂનાઓ એકત્ર કર્યા છે. છાશ બનાવા માટે દહીંનો ઉપયોગ થયો હતો તે દહીં શિવ ડેરીમાંથી ખરીદાયાનું સામે આવતાં ત્યાંથી દહીંના અને સેવ-બુંદી માધાપર બસ સ્ટેન્ડ પાસે ખાવડા સ્વીટસમાંથી લીધા હોવાથી ત્યાંથી નમૂનાઓ લઈ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેવું માહિતી ખાતાંની યાદીમાં જણાવાયું છે.

Panchang

dd