• મંગળવાર, 16 જૂન, 2026

કેરા-કુંદનપર શિક્ષણ ટ્રસ્ટને 15 લાખનું દાન

કેરા (તા. ભુજ), તા. 13 : અહીં યોજાયેલા જિલ્લા કક્ષાના એ-વન ગ્રેડ છાત્ર-છાત્રાઓના સન્માન કાર્યક્રમમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓને વધુ 15 લાખનાં દાનની જાહેરાત કરાઇ હતી. ગ્રામ્ય ક્ષેત્રે થઇ રહેલા શિક્ષણના મહાયજ્ઞને શિક્ષણમંત્રી સહિતનાએ અભિનંદન આપ્યા હતા. અગાઉ 60 લાખનું દાન આપનાર મોશી નિવાસી રવજીભાઇ ગોવિંદ વરસાણીએ વધુ પાંચ લાખનું દાન આપ્યું હતું. ટ્રસ્ટના સાર્વજનિક શિક્ષણના મહાયજ્ઞમાં દાનની આહુતિ અવિરત રહી હતી, તો મૂળ સામત્રાના કે. કે. પટેલે પત્ની ધનુબેન વરસાણીનાં નામે બગીચાનાં નવસર્જન માટે પાંચ લાખનું દાન આપ્યું હતું. બંને દાતાઓએ ભવિષ્યમાં આઇ.ટી.આઇ. માટે યોગદાનની લાગણી દર્શાવી હતી. અહીં 40 વર્ષ જૂની તાલીમી સંસ્થા ઔદ્યોગિક માનવધન માટે પ્રથમ પસંદગી રહી છે. શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયાએ સંસ્થાની ગ્રામ્ય ક્ષેત્રે સેવાઓ અને 31 ગામોના 1447 છાત્ર-છાત્રાઓ માટેની સુવિધા વખાણી હતી. આઇ.ટી.આઇ.નાં નામકરણના દાતા મૂળજીભાઇ લાલજી પિંડોરિયા હસ્તે પુત્રો કિશોરભાઇ, ભરતભાઇ દ્વારા ત્રણ કરોડની માતબર રાશિ જાહેર કરાઇ તે વાતને ઉપસ્થિતોએ વધાવી હતી. મૂળ બળદિયાના લંડન નિવાસી કે. કે. જેસાણી, ધનુબેન પરિવારના કે.કે. જેસાણી દ્વારા અગાઉ સંસ્થાને 51 લાખ રૂપિયા જાહેર કરાયા હતા. સાથે જરૂરિયાતમંદ ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાયની લાગણી દર્શાવાઇ હતી. મૂળ માધાપરના હાલે લંડન નિવાસી સામજીભાઇ શિવજી દબાસિયા દ્વારા ડિજિટલ શિક્ષણ માટે દાન અપાયું હતું. સેવા બદલ આભાર મનાયો હતો. લંડનથી કચ્છમિત્ર સાથે વાત કરતાં તેમણે તમામ એ-વન દીકરા-દીકરીઓને શુભેચ્છા આપી હતી. નારાણપરના શિક્ષણપ્રેમી આગેવાન અરજણભાઇ પિંડોરિયા, સમાજ પૂર્વ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયાએ ટ્રસ્ટનાં કાર્યને બિરદાવ્યું હતું. સંસ્થાના સર્વે સભાસદોએ કેરામાં જિલ્લાની તમામ નિશાળોને આવરી લેતો કાર્યક્રમ કરવા બદલ પીઠ થાબડી હતી, તો રાજ્યના શિક્ષણમંત્રીએ શિક્ષણ વિભાગને રાજ્યનું મોડેલ બનાવવા બદલ અભિનંદન આપ્યા હતા. 

Panchang

dd