• શનિવાર, 02 મે, 2026

ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ તંત્રનો વ્યાયામ

ભુજ, તા. 1 : ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના `િપ્ર એનરોલમેન્ટ પ્રોગ્રામ' અંતર્ગત કચ્છમાં બાલવાટિકામાંથી ધોરણ 1, ધોરણ 5માંથી ધોરણ 6, ધોરણ 8માંથી ધોરણ 9 અને ધોરણ 10માંથી ધોરણ 11માં પ્રવેશપાત્ર તમામ કુમાર અને કન્યાઓ પ્રવેશ મેળવે તે દિશામાં નક્કર પ્રયાસો શરુ થઇ ગયા છે. ગત વર્ષ સુધીની `ઓફલાઈન' પ્રવેશ પ્રક્રિયા આ વખતે તંત્ર દ્વારા `ઓનલાઈન' થઇ રહી છે. `ચાઈલ્ડ ટ્રાકિંગ સિસ્ટમ'માંથી પ્રાથમિક શાળાના આચાર્ય, વાલીની સંમતિ મેળવી નજીકની માધ્યમિક શાળામાં બાળકને મોકલી શકશે અને માધ્યમિક શાળાના આચાર્ય શાળાના લોગીન પરથી જે-તે બાળકને `િરસીવ' કરી શકશે. કચ્છમાં તાજેતરમાં હાથ ધરાયેલા વ્યાયામ અંતર્ગત અંજાર, ગાંધીધામ, મુંદરા અને ભચાઉ તાલુકાની બેઠક  તેમજ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ આદિપુર, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, માંડવી, રાપર તાલુકાના શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, માધ્યમિક શાળાના આચાર્યો, બી.આર.સી. કોર્ડિનેટર, સી.આર.સી. કોર્ડિનેટર, બી.આર.પી. કોર્ડિનેટરની બેઠક કન્યા શિક્ષણધામ સૂરજપર ખાતે યોજાઈ હતી, જેમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ તમામ બાળકોનો આગલા ધોરણમાં પ્રવેશ થાય તે સુનિશ્ચિત કરવા જણાવતાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે સરકારી અને અનુદાનિત શાળાના આચાર્યોને શક્ય તમામ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરવા સૂચન કર્યું હતું અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મળતી સહાય અંગેની યોજનાઓથી વાલી તેમજ વિદ્યાર્થીઓને વાકેફ કરવા ખાસ આગ્રહ કર્યો હતો. ધોરણ 9માં શાળામાં સીધો પ્રવેશ મેળવવા ન ઇચ્છતા વિદ્યાર્થીઓ `ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ'માં પણ પ્રવેશ મેળવી શકશે અને વર્ષાન્તે સીધી પરીક્ષા આપી શકશે, તેમજ આઈ.ટી.આઈ.માં પણ પ્રવેશ મેળવી કારકિર્દી બનાવી શકશે. આદિપુર ખાતેની બેઠકમાં વર્ગ 2 આચાર્ય મુરજીભાઈ મીંઢાણીએ સૌને આવકાર્યા હતા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ અજાણીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઓફલાઇન અને ઓનલાઇન કામગીરીની સમજ આપી હતી, સંચાલન કમલેશભાઈ પટેલ દ્વારા અને આભારવિધિ નિખિલભાઈ દ્વારા કરવામાં આવી હતી તો ભુજ ખાતેની બેઠકમાં શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવીએ શાળા સંચાલન માટેના અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી હતી. બ્લોક એમ.આઈ.એસ. પ્રતિકભાઇ પટેલે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનનાં માધ્યમથી ઉપસ્થિત સૌને કામગીરીથી માહિતગાર કર્યા હતા. શિક્ષણ નિરીક્ષક શ્રીમતી કંચનબેન કુકસાલ, હેતલબેન ભુડિયા અને ટીમ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી. સંચાલન અમિતભાઈ ધોળકિયાએ કર્યું હતું.  

Panchang

dd