• શનિવાર, 02 મે, 2026

મુંદરામાં એક લાખની ક્ષમતાનું ક્લાઉડ કિચન

મુંદરા, તા. 1 : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસરે કામદારોના કલ્યાણ અને સ્થાનિક રોજગારને વધુ મહત્ત્વ આપતી નવી વ્યૂહરચના જાહેર કરી છે. શ્રી અદાણીએ કહ્યું કે, અદાણી ગ્રુપના કર્મચારીઓ માત્ર નોકરી કરનારા નથી, પરંતુ તેઓ દેશના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ગ્રુપના તમામ પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને અગાઉની જેમ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. રોજગારી આપવામાં સૌપ્રથમ જે-તે વિસ્તારના લોકો, પછી રાજ્યના અને જરૂર પડે તો બહારના ઉમેદવારોને રોજગારીની તક આપવામાં આવશે. આજના દિવસે તેમણે વધુમાં જણાવ્યું કે, અદાણી ગ્રુપ કામદારોનાં જીવનધોરણને સુધારવા માટે મોટા પગલાં લઈ રહ્યું છે. મુંદરામાં એક મોટું સેન્ટ્રલ ક્લાઉડ કિચન બનાવવામાં આવી રહ્યું છે, જે દરરોજ એક લાખ લોકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પીરસશે. આ ઉપરાંત ખાવડા અને મુંદરા જેવા મોટા પ્રોજેક્ટ સ્થળોએ 50,000 કામદાર માટે એરકન્ડિશન્ડ  રહેઠાણનું નિર્માણ કરવામાં આવશે. શ્રી અદાણીએ કહ્યું કે, આ કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ કામદારોની મૂળ જરૂરિયાત છે. દરેક કર્મચારીને સન્માન સાથે અને સારી સુવિધાઓ સાથે કામ કરવાનો અધિકાર છે અને અદાણી ગ્રુપ તેઓને આ જીવનધોરણ આપવા પ્રતિબદ્ધ છે. અદાણી ગ્રુપ વધુ ઝડપથી અને કાર્યક્ષમ રીતે પ્રોજેક્ટ પૂરા કરવા માટે ત્રિસ્તરીય વ્યવસ્થા અમલમાં મૂકી રહ્યું છે, જેથી સાઇટ પરના વહીવટી નિર્ણયો ઝડપથી લઈ શકાય, કામદારોના કૌશલ્ય વિકાસ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અદાણી કૌશલ્ય કેન્દ્રો દ્વારા અકુશળ કામદારોને કુશળ કારીગર અને ટીમ લીડર બનાવવાની તાલીમ આપવામાં આવશે. ગૌતમભાઈએ કહ્યું કે, મુંદરા બંદર, ખાવડા નવીનીકરણીય ઊર્જા પાર્ક, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને ગંગા એક્સપ્રેસવે જેવા મોટા પ્રોજેક્ટ્સ ભારતના લોજિસ્ટિક્સ, ઊર્જા અને માળખાગત વિકાસને મજબૂત બનાવી રહ્યા છે. 

Panchang

dd